<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

બજેટના ફટાકડા પહેલા જ તિજોરીમાં ધડાકો: ભારતનું વિદેશી હૂંડિયામણ 709 ડોલર અબજને પાર : ડ્રેગન પણ જોતું રહી ગયું!

સોનાની ચમક અને RBI ના માસ્ટરસ્ટ્રોકથી દેશની આર્થિક તાકાતમાં ધરખમ વધારો: એક જ સપ્તાહમાં 8 બિલિયન ડોલરનો ઉછાળો – રૂપિયો ભલે રેકોર્ડ નીચી સપાટીએ હોય, પણ ભારત પાસે હવે દુનિયાને હચમચાવી દે તેટલો ડોલર અને સોનાનો ભંડાર તૈયાર

મુંબઈ:  કેન્દ્રીય બજેટ ૨૦૨૬ રજૂ થવાના આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મોદી સરકાર અને દેશની જનતા માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંકના તાજા આંકડા મુજબ, ૨૩ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ વધીને ૭૦૯.૪૧ ડોલર બિલિયન થઈ ગયું છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં આવેલી તેજી અને RBI દ્વારા કરાયેલા ચતુર 'ફોરેક્સ સ્વેપ' ને કારણે એક જ અઠવાડિયામાં તિજોરીમાં અધધ $૮ બિલિયનનો વધારો થયો છે. આંકડાકીય દ્રષ્ટિએ આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક સ્તરે આર્થિક ઉથલપાથલ ચાલી રહી છે, જે ભારતની મજબૂત આર્થિક સ્થિતિનો પુરાવો આપે છે.

આ ભંડારમાં સૌથી મોટો ફાળો સોનાનો રહ્યો છે. RBI પાસે રહેલા સોનાનું મૂલ્ય હવે વધીને ૧૨૩ ડોલર બિલિયન થઈ ગયું છે, જે ગત સપ્તાહ કરતા ૫.૬ ડોલર બિલિયન વધુ છે. ભારત અત્યારે વ્યૂહાત્મક રીતે પોતાના પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો વધારી રહ્યું છે જેથી ડોલરના ઉતાર-ચઢાવ સામે સુરક્ષા મેળવી શકાય. ભલે રૂપિયો ડોલર સામે ઐતિહાસિક નીચી સપાટીએ હોય, પણ RBI ની બજારમાં સતત દખલગીરી અને વિદેશી મુદ્રાના સંચાલનને કારણે ભારત કોઈપણ આર્થિક આંચકા સામે લડવા સક્ષમ બન્યું છે. કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે તેમનો હેતુ રૂપિયાને કોઈ ચોક્કસ આંકડે રોકવાનો નથી, પરંતુ બજારમાં અસ્થિરતા ન સર્જાય તે જોવાનો છે.

૧ ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે બજેટ રજૂ કરશે, ત્યારે ૭૦૦ ડોલર બિલિયન પ્લસનું આ સુરક્ષા કવચ સરકારને મોટી જાહેરાતો કરવા માટે આત્મવિશ્વાસ આપશે. જોકે, IMF સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ અને અનામત સ્થિતિમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે, પણ તેની અસર એકંદર ભંડાર પર જોવા મળી નથી. નિષ્ણાતો માને છે કે સોનાની વધતી ચમક અને વિદેશી રોકાણકારોનો ભારત પરનો અતૂટ વિશ્વાસ દેશની આર્થિક તિજોરીને હજુ વધુ ઊંચાઈએ લઈ જશે. આ મજબૂત વિદેશી હૂંડિયામણ હવે દેશની આયાત-નિકાસ અને વિકાસ દરને નવી ગતિ આપવા માટે તૈયાર છે.

(8:28 PM IST)