<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

સરકાર માટે 'બ્લોકબસ્ટર' સાબિત થયો ફિલ્મ ઉદ્યોગ: ₹૨,૪૦૦ કરોડનો ટેક્સ આપનાર સિનેમા જગતને બજેટમાં શું મળશે?

ટિકિટ પર ૧૮% GST અને કલાકારોના કરોડોના ઇનકમ ટેક્સથી તિજોરી છલકાઈ: ૧,૮૦૦ ફિલ્મો અને ₹૧૩,૩૯૫ કરોડનું કલેક્શન – શું નિર્મલા સીતારમણ સિંગલ સ્ક્રીન થિયેટરોને આપશે 'લાઇફલાઇન' કે પછી પ્રોડ્યુસરોએ ફરી એકવાર નિરાશ થવું પડશે?

મુંબઈ:  ભારતીય ફિલ્મ ઉદ્યોગ આજે માત્ર મનોરંજનનું સાધન નથી, પણ સરકાર માટે કમાણીનું સૌથી મોટું મશીન બની ગયું છે. ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ પૂર્વે બોલીવુડથી લઈને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધીના નિર્માતાઓ આશાભરી નજરે જોઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૫ સિનેમા માટે ઐતિહાસિક રહ્યું છે, જેમાં અંદાજે ૧,૮૦૦ ફિલ્મોએ મળીને ₹૧૩,૩૯૫ કરોડનો વકરો કર્યો હતો. આ કમાણીમાંથી સરકારે માત્ર GST પેટે જ ₹૨,૪૧૧ કરોડની તગડી કમાણી કરી છે. આમ છતાં, દર વર્ષે બજેટમાં ફિલ્મ ઉદ્યોગને જે પ્રકારની રાહતો મળવી જોઈએ, તે મળતી નથી તેવી ફરિયાદ નિર્માતા-નિર્દેશકોમાં ઉઠી રહી છે.

 

કમાણીના આંકડા જોઈએ તો ચોંકી જવાય તેમ છે. માત્ર ટિકિટના વેચાણ પર જ નહીં, પણ અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો ₹૧૨૦ કરોડ અને શાહરૂખ ખાન ₹૯૨ કરોડ જેટલો વ્યક્તિગત આવકવેરો ભરે છે. આ સિવાય OTT પ્લેટફોર્મ્સ અને ડિજિટલ રાઇટ્સના વ્યવહારોમાંથી પણ સરકારને જંગી કોર્પોરેટ ટેક્સ મળે છે. ૨૪ ભાષાઓમાં બનતી ફિલ્મો દેશની સંસ્કૃતિને વિશ્વ સ્તરે લઈ જાય છે, પરંતુ તેના બદલામાં ફિલ્મ ઉદ્યોગની માંગણી છે કે ₹૧૦૦થી વધુની ટિકિટ પર વસૂલવામાં આવતો ૧૮% GST ઘટાડવામાં આવે. મલ્ટિપ્લેક્સમાં મોંઘી ટિકિટોને કારણે સામાન્ય પ્રેક્ષક સિનેમાથી દૂર થઈ રહ્યો છે, જેની સીધી અસર નાના બજેટની ફિલ્મો પર પડી રહી છે.

ફિલ્મ નિર્માતાઓની મુખ્ય માંગણી 'સિંગલ સ્ક્રીન' થિયેટરોને બચાવવાની છે. મોટા શહેરોમાં મલ્ટિપ્લેક્સનો દબદબો વધતા નાના થિયેટરો બંધ થઈ રહ્યા છે, જે કન્ટેન્ટ આધારિત નાની ફિલ્મો માટે મોટું નુકસાન છે. બજેટમાં જો સિંગલ સ્ક્રીન થિયેટરો માટે વિશેષ સબસિડી કે ઉત્તર પ્રદેશની 'ફિલ્મ બંધુ' જેવી રાષ્ટ્રીય નીતિ જાહેર કરવામાં આવે, તો પ્રાદેશિક સિનેમાને મોટું પ્રોત્સાહન મળી શકે છે. ૨૦૨૬માં 'કિંગ' અને 'ધુરંદર' જેવી મોટી ફિલ્મો લાઇનઅપમાં છે, ત્યારે સરકાર આ ઉદ્યોગને 'ઇન્ડસ્ટ્રી'નો દરજ્જો આપીને કોઈ મોટા નાણાકીય પેકેજની જાહેરાત કરે છે કે કેમ, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

(8:29 PM IST)