તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ: અજિત પવારના પત્ની સુનેત્રા પવાર બનશે નાયબ મુખ્યમંત્રી : NCP ના વિલીનીકરણની તૈયારી!
દુર્ઘટના બાદ બદલાયું મહારાષ્ટ્રનું ભાગ્ય: સુનેત્રા પવાર સંભાળશે અજિતદાદાનો વારસો – શનિવારે વિધાનસભા પક્ષના નેતા તરીકે વરણી, દેવેન્દ્ર ફડણવીસની લીલી ઝંડી બાદ શપથગ્રહણની તૈયારી

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. દિવંગત નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ ખાલી પડેલી બેઠક અને પક્ષના નેતૃત્વને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર હવે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. શુક્રવારે રાત્રે NCP ના વરિષ્ઠ નેતાઓ પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને સુનીલ તટકરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે બંધબારણે બેઠક કરી હતી. આ બેઠક બાદ છગન ભુજબળે પુષ્ટિ કરી છે કે મુખ્યમંત્રી ફડણવીસ સુનેત્રા પવારના નામ પર સંમત થયા છે. શનિવારે NCP વિધાનસભા પક્ષની બેઠકમાં સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરવામાં આવશે.
અજિત પવારના નિધન બાદ સમગ્ર પવાર પરિવાર અને NCP (અજિત પવાર જૂથ) માં શોકનું મોજું છે, પરંતુ વહીવટી જરૂરિયાતોને જોતા સુનેત્રા પવારને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી રહી છે. સુનેત્રા પવાર હાલમાં રાજ્યસભાના સાંસદ છે, પરંતુ જો તેઓ નાયબ મુખ્યમંત્રી બને છે, તો તેઓ અજિત પવારની ખાલી પડેલી બારામતી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. આ સ્થિતિમાં, તેમના પુત્ર પાર્થ પવારને તેમની જગ્યાએ રાજ્યસભામાં મોકલીને દિલ્હીના રાજકારણમાં સક્રિય કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે પરિવારને અને પક્ષને વિખેરાતા બચાવવા માટે આ એક વ્યૂહાત્મક માસ્ટરસ્ટ્રોક છે.
સૌથી મોટો વળાંક એ છે કે, અજિત પવાર અને શરદ પવારના જૂથો વચ્ચે વિલીનીકરણની ચર્ચાઓ હવે અંતિમ તબક્કે પહોંચી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં બંને NCP એક થઈ શકે છે અને શરદ પવાર 'મહાયુતિ' જોડાણમાં સામેલ થઈ શકે છે. અજિત પવારના જીવતા પણ આ મુદ્દે અનેક બેઠકો થઈ હતી અને હવે તેમના અવસાન બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં પવાર પરિવાર એક થાય તેવી સહાનુભૂતિની લહેર પણ જોવા મળી રહી છે. જો ફેબ્રુઆરીમાં આ વિલીનીકરણ થશે, તો મહારાષ્ટ્રની રાજકીય તસવીર સંપૂર્ણપણે બદલાઈ જશે અને સુનેત્રા પવાર શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
