હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પનામા કેનાલ પર 'ટ્રમ્પ કાર્ડ' ચાલ્યું: સુપ્રીમ કોર્ટના એક ઝાટકે ચીનનું સામ્રાજ્ય વિખેરાયું : શી જિનપિંગને મોટો ફટકો!
ડ્રેગનની દરિયાઈ દાદાગીરીનો અંત? હોંગકોંગની કંપનીનું બંદર પરનું નિયંત્રણ ગેરબંધારણીય જાહેર : ગ્રીનલેન્ડ બાદ પનામા કેનાલ પર અમેરિકી હક જમાવવા માંગતા ડોનાલ્ડ ટ્રમ્પ માટે વિજયનો માર્ગ મોકળો

પનામા : વૈશ્વિક વેપારની સૌથી મહત્વની નસ ગણાતી 'પનામા કેનાલ' પરના વર્ચસ્વની લડાઈમાં ચીનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પનામાની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા હોંગકોંગ સ્થિત 'સીકે હચિસન હોલ્ડિંગ્સ'ના બંદર સંચાલન પરના અધિકારોને ગેરબંધારણીય જાહેર કરી દીધા છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પનામા કેનાલને અમેરિકાના નિયંત્રણ હેઠળ લાવવા માટે સક્રિય થયા છે. ૨૦૨૧માં આપવામાં આવેલા ૨૫ વર્ષના કન્સેશન એક્સ્ટેંશનમાં ગંભીર ગેરરીતિઓ મળ્યા બાદ કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે, જેનાથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું પશ્ચિમ ગોળાર્ધમાં વર્ચસ્વ જમાવવાનું સપનું રોળાયું છે.
આ ચુકાદાથી વ્હાઇટ હાઉસમાં ખુશીનો માહોલ છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો માટે પનામા કેનાલમાંથી ચીની પ્રભાવ હટાવવો એ 'નેશનલ સિક્યુરિટી'નો મુદ્દો રહ્યો છે. ટ્રમ્પે તો સત્તામાં આવતાની સાથે જ પનામા સમક્ષ કેનાલ પરત સોંપવાની માંગણી કરી હતી. જોકે, ચીને આ મામલે આક્રમક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તેઓ પોતાની કંપનીઓના હિતોનું રક્ષણ કરવા માટે કોઈ પણ હદ સુધી જશે. બીજી તરફ, હચિસન હોલ્ડિંગ્સે આ નિર્ણયને કાનૂની આધાર વગરનો ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે આનાથી હજારો સ્થાનિક લોકોની રોજગારી અને દેશની કાનૂની સ્થિરતા જોખમમાં મુકાશે.
રાજકીય વિશ્લેષકોના મતે, આ માત્ર કાનૂની લડાઈ નથી પણ ભૌગોલિક-રાજકીય (Geopolitical) જંગ છે. ભલે બંદરનું સંચાલન તાત્કાલિક બંધ નહીં થાય, પરંતુ હવે તેનું નિયંત્રણ પનામાની મેરીટાઇમ ઓથોરિટી પાસે જશે, જે અમેરિકાના હિતોનું રક્ષણ કરવા માટે વધુ લચીલું વલણ અપનાવી શકે છે. રસપ્રદ વાત એ છે કે ચીની સરકારના વાંધાને કારણે આ બંદરોમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા અગાઉ અટકી પડી હતી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ આખું ચિત્ર જ બદલાઈ ગયું છે. હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે શું ટ્રમ્પ ખરેખર પનામા કેનાલ પર ૧૯૯૯ પહેલા જેવું અમેરિકી આધિપત્ય ફરીથી સ્થાપિત કરવામાં સફળ રહેશે કે કેમ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
