<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

અદાણીનો જાપાનીઝ 'માસ્ટરસ્ટ્રોક': અમેરિકી SEC ના આરોપો વચ્ચે જાપાનથી મળ્યા મોટા સમાચાર : રેટિંગમાં રિલાયન્સ-ટાટાની હરોળમાં સ્થાન!

જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી એ અદાણીની ૩ કંપનીઓ પર મૂક્યો અતૂટ વિશ્વાસ: APSEZ ને મળ્યું સર્વોચ્ચ 'A-' રેટિંગ : ગૌતમ અદાણી માટે જાપાનના ડેટ માર્કેટના દ્વાર ખુલ્યા : પેન્શન ફંડ અને વીમા કંપનીઓ હવે અદાણીમાં કરી શકશે જંગી રોકાણ

નવી દિલ્હી  :  એકબાજુ અમેરિકાની સિક્યોરિટીઝ એક્સચેન્જ ગૌતમ અદાણી વિરુદ્ધ કાયદાકીય ગાળિયો મજબૂત કરી રહી છે, ત્યારે બીજીબાજુ સૂર્યોદયના દેશ જાપાને અદાણી ગ્રુપના આર્થિક પાયાને મજબૂત ગણાવીને મોટો પુરસ્કાર આપ્યો છે. જાપાનની પ્રતિષ્ઠિત રેટિંગ એજન્સી JCR એ અદાણી ગ્રુપની ત્રણ મહત્વની કંપનીઓ—અદાણી પોર્ટ્સ , અદાણી ગ્રીન એનર્જી  અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ને હાઈ-ગ્રેડ ક્રેડિટ રેટિંગ આપ્યું છે. ખાસ કરીને અદાણી પોર્ટ્સને 'A-' રેટિંગ મળ્યું છે, જેનો અર્થ એ છે કે આ કંપનીએ ભારતના સોવરિન રેટિંગની મર્યાદાને પણ વટાવી દીધી છે. આ સફળતા સાથે અદાણી હવે રિલાયન્સ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ  જેવી દિગ્ગજ ભારતીય કંપનીઓની ક્લબમાં સામેલ થઈ ગયું છે.

 

અદાણી ગ્રુપના CFO જુગેશિંદર સિંઘે આ સિદ્ધિને ગ્રુપની નાણાકીય શિસ્તની જીત ગણાવી છે. જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સીએ નોંધ્યું છે કે અદાણી પોર્ટ્સ પાસે ૧૫ સ્થાનિક અને ૪ આંતરરાષ્ટ્રીય બંદરોનું મજબૂત નેટવર્ક છે, જે ભારતનો ૩૦% કાર્ગો સંભાળે છે. કંપનીનો નફો વર્ષ ૨૦૨૦માં ₹૭,૫૬૬ કરોડ હતો જે નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં વધીને ₹૧૯,૦૨૫ કરોડ પર પહોંચી ગયો છે. આ મજબૂત રોકડ પ્રવાહ અને દેવા સામેની સુરક્ષાને કારણે જાપાનીઝ રોકાણકારોમાં અદાણી પ્રત્યેનો ભરોસો વધ્યો છે. ખાસ કરીને જાપાનની મિઝુહો અને MUFG જેવી બેંકો પહેલેથી જ અદાણી સાથે જોડાયેલી છે, પણ હવે પેન્શન ફંડ્સ જેવા મોટા રોકાણકારો માટે પણ રોકાણનો માર્ગ મોકળો થયો છે.

આ રેટિંગ અદાણી ગ્રુપ માટે એવા સમયે સંજીવની સમાન સાબિત થશે જ્યારે તે અમેરિકાના વિવાદોથી દૂર રહીને પોતાના રોકાણકારોનો આધાર વધારવા માંગે છે. જાપાનના મૂડી બજારમાં પ્રવેશ મળવાથી અદાણી ગ્રુપને સસ્તા દરે ભંડોળ મળશે, જે તેમની આગામી વિસ્તરણ યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે અત્યંત મહત્વનું છે. અમેરિકી આરોપો વચ્ચે જાપાન તરફથી મળેલી આ 'ક્લીનચીટ' અને સ્થિર આઉટલુક દર્શાવે છે કે એશિયન બજારોમાં અદાણીનો દબદબો હજુ પણ બરકરાર છે. ૧ ફેબ્રુઆરીના બજેટ પહેલા આ સમાચાર અદાણીના શેરધારકો માટે કોઈ મોટી ભેટથી ઓછા નથી.

(8:33 PM IST)