<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

સંસદમાં સોના-ચાંદીના ભાવનો ભડકો: “દીકરીઓના લગ્ન કેમ કરવા?” - સાંસદે ભાવ ઘટાડવા કરી સરકાર પાસે માંગ

૧૩ મહિનામાં ચાંદી ૩૦૬% અને સોનું ૧૧૧% મોંઘું થતા હાહાકાર: કોંગ્રેસ સાંસદ નીરજ ડાંગીએ રાજ્યસભામાં સામાન્ય જનતાનો અવાજ ઉઠાવ્યો

નવી દિલ્હી: દેશમાં સોના અને ચાંદીના ભાવોમાં જે રીતે રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે, તેની સીધી અસર હવે સામાન્ય માણસના ઘર અને સંસદના ગૃહ સુધી પહોંચી છે. રાજ્યસભામાં શૂન્ય કાળ (Zero Hour) દરમિયાન કોંગ્રેસના સાંસદ નીરજ ડાંગીએ આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, સોના-ચાંદીના અનિયંત્રિત ભાવોએ ગ્રામીણ ભારત, ખાસ કરીને મધ્યમ વર્ગ અને ખેડૂત પરિવારોની કમર તોડી નાખી છે.
સાંસદે ગૃહમાં આંકડા રજૂ કરતા જણાવ્યું કે, છેલ્લા માત્ર ૧૩ મહિનામાં ચાંદીના ભાવમાં ૩૦૬% અને સોનાના ભાવમાં ૧૧૧% નો જંગી વધારો થયો છે. ભારતીય સંસ્કૃતિમાં સોનું અને ચાંદી માત્ર ઘરેણાં નથી, પરંતુ મહિલાઓની સુરક્ષા અને આત્મસન્માન સાથે જોડાયેલું છે, ત્યારે આટલી મોટી તેજી આર્થિક નીતિની નિષ્ફળતા દર્શાવે છે.
 રાજ્યસભામાં સાંસદે પીડાદાયક સ્થિતિનું વર્ણન કરતા જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગોમાં મુશ્કેલી: ખેડૂતો અને મજૂરો આજે એટલા લાચાર છે કે તેઓ પોતાની દીકરીઓના લગ્ન માટે ન્યૂનતમ ઘરેણાં પણ ખરીદી શકતા નથી.
વધતા ભાવોને કારણે માત્ર ગ્રાહકો જ નહીં, પણ નાના સુવર્ણકારો અને ઝવેરીઓ પણ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, કારણ કે વેચાણમાં મોટો ઘટાડો થયો છે.
સાંસદે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે અને સોના-ચાંદી પરના GST દરોમાં ઘટાડો કરવા જેવા કડક પગલાં ભરવાની માંગ કરી છે જેથી જનતાને તાત્કાલિક રાહત મળે.
 અત્રે  ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ચાંદીના ભાવ ₹૪.૨૦ લાખ પ્રતિ કિલોગ્રામની ઐતિહાસિક સપાટીને વટાવી ગયા હતા. જોકે શુક્રવારે પ્રોફિટ બુકિંગને કારણે ભાવમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ સરેરાશ વધારો હજુ પણ સામાન્ય જનતાની પહોંચની બહાર છે. હવે જોવાનું એ રહેશે કે આગામી બજેટમાં સરકાર આ દિશામાં કોઈ રાહતની જાહેરાત કરે છે કે નહીં.

(8:52 PM IST)