હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ: આગામી ૨ કલાકમાં નવા ડેપ્યુટી CM ના નામ પર લાગશે મહોર!
અજિત પવારના અવસાન બાદ સુનેત્રા પવાર રેસમાં સૌથી આગળ: છગન ભુજબળ અને ફડણવીસ વચ્ચેની બેઠક બાદ શપથગ્રહણની તૈયારીઓ તેજ

મુંબઈ : મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન અને NCP (અજિત પવાર જૂથ) ની અંદર મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. NCP નેતા અજિત પવારના આકસ્મિક અવસાન બાદ ખાલી પડેલા નાયબ મુખ્યમંત્રી પદ માટે હવે ગણતરીના કલાકોમાં નિર્ણય લેવામાં આવશે. NCP ના વરિષ્ઠ નેતા છગન ભુજબળે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કર્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, બધું જ બરાબર છે અને શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે યોજાઈ શકે છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ મામલે સકારાત્મક વલણ અપનાવતા કહ્યું છે કે, સરકારમાં કોઈ અવરોધ નથી અને આગામી એક-બે કલાકમાં નવા નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, અજિત પવારના પત્ની સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
પક્ષના વરિષ્ઠ નેતાઓ પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને છગન ભુજબળે સુનેત્રા પવાર સાથે મુલાકાત કરી છે અને પક્ષના ભાવિ નેતૃત્વ અંગે ચર્ચા કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુનેત્રા પવાર બારામતી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે અને ત્યાં સુધી તેમને મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન સોંપવામાં આવી શકે છે.
અજિત પવારની ગેરહાજરીમાં પક્ષને સંભાળવા માટે પ્રફુલ પટેલને કાર્યકારી પ્રમુખ બનાવવાની હિલચાલ તેજ થઈ છે. બીજી તરફ, શરદ પવાર જૂથ સાથે ફરીથી ભળી જવા અંગેની અટકળોએ પણ જોર પકડ્યું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આવનારી મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા NCP ના બંને જૂથો એક થઈ શકે છે.
હાલ તો આખું મહારાષ્ટ્ર એ જાણવા આતુર છે કે શું રાજભવનમાં આવતીકાલે નવા નાયબ મુખ્યમંત્રી શપથ લેશે અને અજિત પવારનો રાજકીય વારસો કોણ આગળ ધપાવશે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
