જલંધર ‘નો-ફ્લાઈંગ ઝોન’ જાહેર: આકાશમાં ડ્રોન કે હેલિકોપ્ટર દેખાયું તો થશે જેલભેગા!
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાતને પગલે સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર: ૧૫ અને ૧૬ જાન્યુઆરીએ જલંધરના આકાશ પર કડક પાબંદી

જલંધર :ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જલંધરની પ્રસ્તાવિત મુલાકાતને લઈને જિલ્લા વહીવટીતંત્રે સુરક્ષાના અભેદ્ય કિલ્લા જેવી વ્યવસ્થા કરી છે. રાષ્ટ્રપતિની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તે માટે ૧૫ અને ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સમગ્ર જલંધર જિલ્લાને ‘નો-ફ્લાઈંગ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન આકાશમાં કોઈપણ ખાનગી ઉડતા સાધનો પર કડક પ્રતિબંધ રહેશે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમનિન્દર કૌરે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ હેઠળ આદેશ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા એજન્સીઓની ભલામણના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે.
આ સાધનો ઉડાડવા પર રહેશે સંપૂર્ણ પ્રતિબંધ
વહીવટીતંત્રના આદેશ મુજબ જલંધરની હદમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ પર રોક લગાવી દેવામાં આવી છે:
ડ્રોન અને રિમોટ એરક્રાફ્ટ: કોઈપણ પ્રકારના સિવિલ ડ્રોન કે રિમોટથી ચાલતા વિમાનો ઉડાડી શકાશે નહીં.
પેરાગ્લાઈડર્સ અને બલૂન: હોટ એર બલૂન કે પેરાગ્લાઈડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પર પણ મનાઈ છે.
ખાનગી હેલિકોપ્ટર: વહીવટીતંત્રની મંજૂરી વગર કોઈપણ ખાનગી હેલિકોપ્ટર ઉડી શકશે નહીં.
માત્ર રાષ્ટ્રપતિ અને અન્ય VVIP ના સત્તાવાર હેલિકોપ્ટર અને વિમાનોને જ આ પ્રતિબંધમાંથી છૂટછાટ આપવામાં આવી છે.
તંત્રએ કડક ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ આ આદેશોનું ઉલ્લંઘન કરશે, તો તેનું ડ્રોન કે સાધન જપ્ત કરવામાં આવશે અને તેની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ આખા જિલ્લા પર બાજ નજર રાખશે. રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે જલંધરમાં અત્યારે અભૂતપૂર્વ ઉત્સાહ અને કડક સુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
