<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

શેરબજારમાં ઐતિહાસિક તેજીનો તખ્તો તૈયાર: સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના આઈપીઓને આપી મંજૂરી

એનએસઈનો આઈપીઓ ભારતીય શેરબજારનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી ચર્ચિત આઈપીઓ સાબિત થઈ શકે છે.

નવી દિલ્હી :  ભારતીય શેરબજારના ઈતિહાસમાં જેની વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ હવે નજીક આવી ગઈ છે. માર્કેટ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ 'નેશનલ સ્ટોક એક્સચેન્જ' (એનએસઈ) ને તેનો આઈપીઓ લાવવા માટે 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' એટલે કે એનઓસી આપી દીધું છે. આ સમાચાર આવતાની સાથે જ રોકાણકારો અને બજારના પંડિતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી કો-લોકેશન કૌભાંડ અને અન્ય કાયદાકીય અડચણોને કારણે એનએસઈનો આઈપીઓ અટકી પડ્યો હતો, પરંતુ હવે સેબીની લીલી ઝંડી મળતા જ માર્ગ મોકળો થયો છે.
એનએસઈનો આઈપીઓ ભારતીય શેરબજારનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી ચર્ચિત આઈપીઓ સાબિત થઈ શકે છે. બજારના નિષ્ણાતોના મતે, એનએસઈનું વેલ્યુએશન લાખો કરોડ રૂપિયામાં આંકવામાં આવી રહ્યું છે. હાલમાં અનલિસ્ટેડ માર્કેટમાં પણ એનએસઈના શેરની ભારે માંગ રહેતી હોય છે. આ આઈપીઓ આવવાથી માત્ર સંસ્થાકીય રોકાણકારો જ નહીં પરંતુ સામાન્ય રીટેલ રોકાણકારોને પણ દેશના આ પ્રીમિયમ એક્સચેન્જમાં ભાગીદારી કરવાની તક મળશે. સેબી દ્વારા એનઓસી આપતી વખતે કેટલીક શરતો પણ મૂકવામાં આવી હોવાનું ચર્ચાય છે, જેનું પાલન એક્સચેન્જે કરવું પડશે.
આ મંજૂરી મળ્યા બાદ હવે એનએસઈ ટૂંક સમયમાં જ પોતાનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) સેબીમાં ફાઈલ કરશે. જેમાં આઈપીઓની સાઈઝ, શેરની કિંમત અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે. આ સમાચારથી માત્ર એનએસઈના શેરધારકો જ નહીં, પરંતુ સમગ્ર નાણાકીય ક્ષેત્રમાં ઉત્સાહ છે. આ લિસ્ટિંગથી પારદર્શિતા વધશે અને કોર્પોરેટ ગવર્નન્સના ધોરણો વધુ મજબૂત બનશે. ભારત હવે વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થશે જ્યાંનું મુખ્ય સ્ટોક એક્સચેન્જ પોતે જ શેરબજારમાં લિસ્ટેડ હોય. આગામી કેટલાક મહિનાઓમાં આ મેગા આઈપીઓ બજારમાં ધૂમ મચાવશે તે નક્કી છે.

 

(12:49 AM IST)