<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

સર્વાઈકલ કેન્‍સરઃ દેશમાં દર ૪ મિનિટે એકને બીમારી, પ્રતિ સાત મિનિટે એક મહિલાનું મોત

GCRIમાં ૧,૪૦૦ HIV પીડિત મહલાની તપાસ, ૨૧%માં HPV વાયરસ : ૧૭,૪૦૦ મહિલાનું સ્‍ક્રિનિંગ, ૫.૭ ટકામાં ઈન્‍ફેક્‍શનઃ સમયસર સ્‍ક્રિનિંગથી જીવ બચાવી શકાય

નવી દિલ્‍હી,તા.૩૧: ગર્ભાશયના મુખનું કેન્‍સર (સર્વાઈકલ કેન્‍સર) શહેર કરતાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં વધારે જોવા જોવા મળ્‍યું છે, જાન્‍યુઆરી મહિનામાં આ બીમારીને લઈ જાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ હતી, દેશમાં દર વર્ષે ગર્ભાશયના મુખના કેન્‍સરના ૧.૨૭ લાખ કેસ નોંધાય છે, દર ચાર મિનિટે એક મહિલાને કેન્‍સરનું નિદાન થાય છે અને દર ૭ મિનિટે એક મહિલાનું આ કેન્‍સરથી મોત થાય છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની જીસીઆરઆઈ-કેન્‍સર હોસ્‍પિટલમાં વર્ષ ૨૦૨૫ના ૧૧ મહિનામાં એટલે કે નવેમ્‍બર સુધીમાં ગર્ભાશયના મુખના કેન્‍સરના ૭૪૮ મહિલા દર્દીને સારવાર આપવામાં આવી છે. બીમારી વહેલા તબક્કામાં

પકડાય તો સંપૂર્ણ સાજા થવાની શક્‍યતા વધારે છે. જીસીઆરઆઈના ડિરેક્‍ટર ડો. શશાંક પંડયાએ જણાવ્‍યું કે, જીસીઆરઆઈમાં ઓપીડીમાં વર્ષ ૨૦૨૨થી અત્‍યાર સુધીમાં ૫૦ હજારથી વધુ સ્‍વસ્‍થ નાગરિકોનું સ્‍કિનિગ કરાયું છે, જેમાંથી ૧૧૮ દર્દીમાં કેન્‍સર વહેલા તબક્કે શોધાયું છે, આ બાબત સાબિત કરે છે કે, સમયસર તપાસ અને સ્‍ક્રિનિગથી જીવન બચાવી શકાય છે. તબીબો કહે છે કે, જીસીઆરઆઈમાં નવેમ્‍બર ૨૦૨૧થી ૧૭,૪૦૦થી વધુ દર્દીમાં ગર્ભાશયના મુખના કેન્‍સરનું સ્‍ક્રિનિંગ કરાયું હતું, જેમાંથી અંદાજે ૫.૭ ટકા મહિલામાં હ્યુમન પેપિલોમા વાયરસ- એચપીવી વાયરસ ઈન્‍ફેક્‍શન મળ્‍યું હતું. અત્‍યાર સુધીમાં ૧,૪૦૦ એચઆઈવી પીડિત મહિલાની તપાસ થઈ, જેમાં ૨૧.૧ ટકા મહિલામાં એચપીવી ઈન્‍ફેક્‍શન જોવા મળ્‍યું છે, આ બાબત સ્‍પષ્ટ કરે છે કે, સર્વાઈકલ કેન્‍સર સ્‍ક્રિનિંગ અત્‍યંત જરૂરી છે. એચપીવી રસી લેવાથી કેન્‍સર સામે રક્ષણ મળે છે.

૩૦થી ૬૫ વર્ષની મહિલાઓએ ૫ વર્ષે તપાસ કરાવવી જોઈએ

તબીબો કહે છે કે, ૩૦થી ૬૫ વર્ષની વયે મહિલાઓએ દર ત્રણથી પાંચ વર્ષે તપાસ કરાવવી જોઈએ. સર્વાઈકલ કેન્‍સર શોધવા વિવિધ ટેસ્‍ટ કરાય છે. વીઆઈએ ટેસ્‍ટ સરળ અને ઓછી ખર્ચાળ પદ્ધતિ છે. એચપીવી ટેસ્‍ટમાં વાયરસના ડીએનએની તપાસ કરાય છે, જે સચોટ પદ્ધતિ મનાય છે. તબીબો કહે છે કે, જીસીઆરઆઈ દ્વારા મોટાપાયે જાગૃતિ કેમ્‍પો યોજાયા છે.

GCRIમાં ગર્ભાશયના મુખના કેન્‍સર કેસ

વર્ષ            કેસ

૨૦૨૧         ૮૮૫

૨૦૨૨         ૮૯૩

૨૦૨૩         ૯૦૯

૨૦૨૪         ૮૬૬

૨૦૨૫(નવેમ્‍બર)      ૭૪૮

ગુજરાત અને અન્‍ય રાજ્‍યના દર્દી

વર્ષ     ગુજરાત      કેસ

૨૦૨૧  ૬૧૮   ૨૬૭

૨૦૨૨  ૫૮૭   ૩૦૬

૨૦૨૩  ૬૦૯   ૩૦૦

૨૦૨૪  ૫૬૨   ૩૦૪

૨૦૨૫     ૪૭૫      ૨૭૩

વય જૂથ પ્રમાણે સર્વાઈકલ કેન્‍સર કેસ

વય જૂથ   ૨૦૨૧    ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૪ ૨૦૨૫

૨૧ થી ૩૦ ૧૫       ૧૫     ૧૪     ૧૨     ૧૦

૩૧ થી ૪૦ ૧૫૮      ૧૨૪   ૧૪૫   ૯૫     ૮૨

૪૧ થી ૫૦ ૩૦૩      ૩૦૦   ૨૭૫   ૨૬૫   ૨૨૨

૫૧ થી ૬૦ ૨૫૨      ૨૭૦   ૨૭૭   ૨૭૦   ૨૩૦

૬૦ વર્ષથી વધુ ૧૫૭   ૧૮૪   ૧૯૮   ૨૨૪   ૨૦૪

(10:18 AM IST)