News of Saturday, 31st January 2026
વૈશ્વિક બુલિયન માર્કેટમાં હાહાકાર: ચાંદી ઇન્ટ્રા-ડે ૩૫ ટકા અને ક્લોઝિંગમાં ૨૫ ટકા તૂટી: સોનામાં પણ પ્રચંડ કડાકો; મેટલ માર્કેટમાં રોકાણકારોના ૧૦ ટ્રિલિયન ડોલર સ્વાહા: ન્યૂઝ ફર્સ્ટ
એમ.સી.એક્સ. ચાંદી: આજે સવારે ચાંદીમાં ભારે વેચવાલી: ૧૫થી ૧૮,૦૦૦ રૂ. જેટલો તોતિંગ ઘટાડો: ભાવ ઐતિહાસિક નીચી સપાટી તરફ ગતિ કરી રહ્યા છે: એમ.સી.એક્સ. સોનું પણ સવારના સત્રમાં ૫થી ૬,૦૦૦ રૂ. પ્રતિ ૧૦ ગ્રામનો કડાકો રોકાણકારોમાં ભારે ગભરાટ: સતત વેચવાલીનું દબાણ

મુંબઈ/વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં ઐતિહાસિક કડાકો બોલી ગયો છે. ચાંદી ઇન્ટ્રા-ડે ૩૫ ટકા અને ક્લોઝિંગમાં ૨૫ ટકા તૂટી છે, જે ૧૯૮૦ પછીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. સોનું પણ ૧૦ ટકા તૂટ્યું છે અને મેટલ માર્કેટમાં કુલ ૧૦ ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું છે. તેની અસરે ભારતીય એમ.સી.એક્સ. માર્કેટમાં આજે સવારે સોના-ચાંદીના ભાવમાં હજારો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
વિશ્વભરના કોમોડિટી બજારો માટે ગઈકાલની રાત 'કાળી રાત' સાબિત થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતી ધાતુઓમાં આવેલી સુનામીએ રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. 'ન્યૂઝ ફર્સ્ટ' અને અન્ય વૈશ્વિક મીડિયા પ્લેટફોર્મના અહેવાલો મુજબ, સોના અને ચાંદીના ભાવમાં કલ્પના બહારનો ઘટાડો નોંધાયો છે, જેને બજારના પંડિતો 'ઐતિહાસિક પતન' ગણાવી રહ્યા છે.
ચાંદીમાં ૧૯૮૦ પછીનું સૌથી મોટું ધોવાણ: ગઈકાલે રાત્રે અમેરિકન બજારોમાં ટ્રેડિંગ દરમિયાન ચાંદીમાં અભૂતપૂર્વ વેચવાલી નીકળી હતી. એક તબક્કે ઇન્ટ્રા-ડે (ચાલુ કામકાજ દરમિયાન) ચાંદીના ભાવ માઈનસ ૩૫ ટકા સુધી તૂટી ગયા હતા. ચાંદીના ઇતિહાસમાં એક જ દિવસમાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. બજાર બંધ થયું ત્યારે પણ ચાંદી ૨૫ ટકાના જંગી નુકસાન સાથે બંધ રહી હતી.
વિશ્લેષકોના મતે, વર્ષ ૧૯૮૦ પછી ચાંદીમાં આવેલો આ સૌથી ભયાનક કડાકો છે, જેણે તેજીવાળાઓની કમર તોડી નાખી છે.
સોનામાં પણ ૧૦ ટકાનો કડાકો: અબજોનું નુકસાન: માત્ર ચાંદી જ નહીં, પરંતુ સુરક્ષિત રોકાણ ગણાતા સોનામાં પણ ભારે લિક્વિડેશન જોવા મળ્યું હતું. સોનાના ભાવમાં રાતોરાત ૧૦ ટકાનું ગાબડું પડ્યું છે.
અહેવાલો અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં સોનાના માર્કેટ કેપમાંથી ૬.૩ ટ્રિલિયન ડોલર (લાખો કરોડ ડોલર) સાફ થઈ ગયા છે. સોના, ચાંદી અને અન્ય મેટલ્સ સેક્ટરમાં કુલ મળીને ૧૦ ટ્રિલિયન ડોલર જેટલી જંગી રકમનું ધોવાણ થયું છે, જે વૈશ્વિક નાણાકીય ઈતિહાસની મોટી ઘટનાઓમાં સ્થાન પામશે.
ભારતીય વાયદા બજાર (એમ.સી.એક્સ.) પર અસર: વૈશ્વિક બજારમાં આવેલા આ ભૂકંપની સીધી અસર આજે સવારે ભારતીય વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમ.સી.એક્સ.) પર જોવા મળી છે. આજે સવારે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીમાં લોઅર સર્કિટ જેવો માહોલ સર્જાયો છે.
લેટેસ્ટ આંકડાઓ મુજબ:
* એમ.સી.એક્સ. ચાંદી: આજે સવારે ચાંદીમાં ભારે વેચવાલી સાથે શરૂઆત થઈ છે. ભાવમાં ૧૫,૦૦૦ થી ૧૮,૦૦૦ રૂપિયા જેટલો તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભાવ ઐતિહાસિક નીચી સપાટી તરફ ગતિ કરી રહ્યા છે.
* એમ.સી.એક્સ. સોનું: સોનામાં પણ સવારના સત્રમાં ૫,૦૦૦ થી ૬,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો કડાકો બોલી ગયો છે. રોકાણકારોમાં ભારે ગભરાટ હોવાથી સતત વેચવાલીનું દબાણ છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
