News of Saturday, 31st January 2026
ઈરાન સામે અમેરિકાની ડબલ-સ્ટ્રાઈક વ્યૂહરચના: ઈઝરાયેલને ૫૫,૦૦૦ કરોડના ઘાતક શસ્ત્રોનું પેકેજ અને દરિયામાં પ્રચંડ મોટો નૌકાકાફલો ખડકી દેવાયો: ટ્રમ્પે કહ્યું વેનેઝુએલા મિશન વખતે મોકલવામાં આવેલા કાફલા કરતા પણ આ કાફલો કદમાં અનેક ગણો મોટો છે, જે ઈરાન પર લશ્કરી દબાણ વધારવા માટે પૂરતો છે: અમેરિકા ઈરાનને ચારે બાજુથી ઘેરીને વાટાઘાટોના ટેબલ પર લાવવા માંગે છે:ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે ઈરાન હવે કરાર કરવા અને વાટાઘાટો કરવા માટે તૈયાર છે

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર તંગદિલી ચરમસીમાએ પહોંચી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન પર સંપૂર્ણ દબાણ લાવવાની રણનીતિના ભાગરૂપે 'ડબલ-સ્ટ્રાઈક'ની તૈયારી કરી લીધી છે. એક તરફ અમેરિકાએ પોતાના સૌથી નજીકના સાથી રાષ્ટ્ર ઈઝરાયેલને લશ્કરી રીતે વધુ મજબૂત કરવા માટે અધ્યતન શસ્ત્રોના ભંડાર ખોલી દીધા છે, તો બીજી તરફ ઈરાનને ઘેરવા માટે દરિયાઈ માર્ગે મોટો કાફલો રવાના કરી દીધો છે. અમેરિકાએ ઈઝરાયેલ માટે ૬.૬૭ બિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે ૫૫,૦૦૦ કરોડ રૂપિયાના નવા શસ્ત્ર વેચાણને તાત્કાલિક મંજૂરી આપી દીધી છે.
આ જંગી લશ્કરી પેકેજમાં સૌથી મહત્વની બાબત ૩૦ અપાચે એટેક હેલિકોપ્ટર છે, જે દુશ્મનના પ્રદેશમાં ઘૂસીને હુમલો કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, આ પેકેજમાં આધુનિક રોકેટ લોન્ચર અને લેટેસ્ટ લક્ષ્યીકરણ પ્રણાલીઓ (ટાર્ગેટિંગ સિસ્ટમ્સ) સામેલ છે, જે ઈઝરાયેલની વાયુસેના અને ભૂમિદળની તાકાતમાં અનેકગણો વધારો કરશે.
આ લશ્કરી મદદની સમાંતર, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે અમેરિકાનો એક અત્યંત વિશાળ નૌકાદળનો કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે વેનેઝુએલા મિશન વખતે મોકલવામાં આવેલા કાફલા કરતા પણ આ કાફલો કદમાં ઘણો મોટો છે, જે ઈરાન પર લશ્કરી દબાણ વધારવા માટે પૂરતો છે.
આ રણનીતિ દ્વારા અમેરિકા ઈરાનને ચારે બાજુથી ઘેરીને વાટાઘાટોના ટેબલ પર લાવવા માંગે છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે ઈરાન હવે કરાર કરવા અને વાટાઘાટો કરવા માટે તૈયાર છે અને તે દિશામાં સંકેતો મળી રહ્યા છે. જોકે, ઈરાન તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની શરણાગતિ કે વાટાઘાટો માટેની સત્તાવાર તૈયારી દર્શાવવામાં આવી નથી. ઈરાને સંકેત આપ્યો છે કે તે વાતચીત કરવા માંગે છે પરંતુ તે અમેરિકાના દબાણ હેઠળ કોઈ નિર્ણય લેશે નહીં. આમ, મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, જેમાં અમેરિકા ઈઝરાયેલના ખભે બંદૂક ફોડીને ઈરાનને નિયંત્રણમાં લેવા માંગતું હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
