News of Saturday, 31st January 2026
સુપ્રીમ કોર્ટનો ક્રાંતિકારી ચુકાદો: "માસિક સ્રાવ એ શરમની વાત નથી, છોકરાઓને પણ આ વિશે ભણાવો!"
માસિક સ્રાવ સ્વાસ્થ્ય હવે 'જીવનના અધિકાર'નો ભાગ; દેશની તમામ શાળાઓમાં મફત સેનિટરી પેડ્સ અને અલગ શૌચાલય આપવા સર્વોચ્ચ અદાલતનો આદેશ

નવી દિલ્હી: ભારતની સુપ્રીમ કોર્ટે આજે એક એવો ચુકાદો આપ્યો છે જે આવનારા સમયમાં સામાજિક માનસિકતા બદલવામાં મોટી ભૂમિકા ભજવશે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે 'માસિક સ્રાવ સ્વચ્છતા' (Menstrual Hygiene) એ માત્ર મહિલાઓનો ખાનગી મુદ્દો નથી, પરંતુ તે બંધારણની કલમ 21 હેઠળ 'જીવનના અધિકાર'નો એક અભિન્ન હિસ્સો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે હવે સમય પાકી ગયો છે કે આ વિષય પરથી શરમનો પડદો હટાવીને શાળાઓમાં છોકરાઓ અને છોકરીઓ સાથે ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવે.
અજ્ઞાનતા અસંવેદનશીલતા વધારે છે
સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, "જ્યારે શાળાઓમાં માસિક સ્રાવની ખુલ્લેઆમ ચર્ચા થશે, ત્યારે જ તે શરમનો વિષય બનતો અટકશે." કોર્ટે નોંધ્યું કે છોકરાઓને આ જૈવિક પ્રક્રિયા વિશે જ્ઞાન આપવું અનિવાર્ય છે. જો છોકરાઓ જાગૃત નહીં હોય, તો તેઓ માસિક ધર્મ ધરાવતી છોકરીઓની મજાક ઉડાવી શકે છે અથવા તેમને હેરાન કરી શકે છે, જેના કારણે છોકરીઓ શાળાએ જવાનું છોડી દે છે. કોર્ટે કહ્યું, "અજ્ઞાનતા અસંવેદનશીલતા લાવે છે, જ્યારે જ્ઞાન સહાનુભૂતિ પેદા કરે છે."
પુરુષ શિક્ષકોની ભૂમિકા પર ભાર
બેન્ચે જણાવ્યું કે શાળાનું વાતાવરણ માત્ર છોકરીઓ પૂરતું મર્યાદિત નથી, તેમાં પુરુષ શિક્ષકો અને સ્ટાફ પણ સામેલ છે. જો કોઈ વિદ્યાર્થિની અચાનક વર્ગખંડ છોડીને શૌચાલય જવા માંગતી હોય, તો પુરુષ શિક્ષકે શંકા કરવાને બદલે સંવેદનશીલતા બતાવવી જોઈએ. માસિક સ્રાવ એ એક સામાન્ય 'જૈવિક હકીકત' છે અને તેને તે રીતે જ જોવી જોઈએ.
સુપ્રીમ કોર્ટના મુખ્ય નિર્દેશો:
કોર્ટે માત્ર વાતો જ નથી કરી, પરંતુ સરકારોને કડક આદેશો પણ આપ્યા છે:
• મફત સેનિટરી પેડ્સ: ધોરણ 6 થી 12 ની તમામ વિદ્યાર્થિનીઓને મફત સેનિટરી નેપકિન્સ આપવા પડશે.
• વેન્ડિંગ મશીનો: શાળાઓમાં ખાસ કરીને શૌચાલયોમાં પેડ વેન્ડિંગ મશીનો લગાવવા પડશે.
• અલગ શૌચાલય: તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં છોકરીઓ માટે પૂરતી પાણીની સુવિધા સાથેના અલગ શૌચાલયો ફરજિયાત છે.
• MHM કોર્નર્સ: દરેક શાળામાં 'માસિક સ્રાવ સ્વચ્છતા વ્યવસ્થાપન' (MHM) ખૂણા બનાવવા પડશે, જ્યાં કટોકટીના સમયે વધારાના યુનિફોર્મ અને જરૂરી સામગ્રી મળી રહે.
પર્યાવરણનું પણ રાખ્યું ધ્યાન
કોર્ટે આદેશ આપ્યો છે કે વપરાયેલા સેનિટરી પેડ્સના નિકાલ માટે શાળાઓમાં આધુનિક અને પર્યાવરણને અનુકૂળ સિસ્ટમ (Incinarators) હોવી જોઈએ, જેથી ગંદકી ન ફેલાય અને સ્વચ્છતા જળવાઈ રહે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
