<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ગંગા સ્નાનથી રોકવા અને બટુકોની શિખા પકડી માર મારવો એ હિન્દુ ધર્મનું અપમાન : પ્રયાગરાજની ઘટના પર જગદગુરુ સદાનંદ સરસ્વતીજીની આકરી પ્રતિક્રિયા,

ખેડામાં દ્વારકા શારદા પીઠાધીશ્વર સ્વામી સદાનંદ સરસ્વતીજીએ પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સાથે થયેલા વ્યવહારને વખોડ્યો:તેમણે જણાવ્યું કે પ્રશાસનનું આ કૃત્ય અક્ષમ્ય છે અને શંકરાચાર્યનું યોગ્ય સન્માન જળવાય તેવી તેમણે માંગ કરી

પ્રયાગરાજમાં બનેલી ઘટનાને લઈ ખેડા જિલ્લાના શંકરાચાર્ય નગર ખાતે પધારેલા દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ સદાનંદ સરસ્વતીજી પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથેની વાતચીતમાં પ્રયાગરાજ ખાતે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સાથે બનેલી ઘટના અંગે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે પ્રશાસનના વર્તનને સનાતન ધર્મની પરંપરાઓ પરના આઘાત સમાન ગણાવ્યું છે.

જગદગુરુ સદાનંદ સરસ્વતીજીએ ભારપૂર્વક જણાવ્યું કે, "અમારા હિન્દુ ધર્મમાં ગંગા અને નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અનેરું આધ્યાત્મિક મહત્વ છે. જ્યારે કોઈ સંત કે ભક્ત શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા જતો હોય, ત્યારે તેને રોકવાનો અધિકાર કોઈની પાસે નથી." તેમણે ઉમેર્યું કે ધર્મનું પાલન કરતા સંતોને સ્નાન કરતા અટકાવવા એ ધાર્મિક આસ્થાનું અપમાન છે. પ્રયાગરાજ જેવી પવિત્ર ભૂમિ પર શંકરાચાર્ય કક્ષાના સંત સાથે આવું વર્તન અયોગ્ય છે.

પ્રયાગરાજની ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત બટુકો સાથે થયેલું ગેરવર્તન હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા શંકરાચાર્યજીએ કહ્યું કે, "બટુકોની શિખા  પકડીને તેમને માર મારવાની ઘટના અત્યંત નિંદનીય અને અયોગ્ય છે. શિખા એ માત્ર વાળનો જથ્થો નથી, પરંતુ તે હિન્દુ ધર્મ અને બ્રાહ્મણત્વનું પવિત્ર પ્રતીક છે.

દ્વારકા પીઠાધીશ્વરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પ્રશાસનનું આ વર્તન 'અક્ષમ્ય'  છે. તેમણે માંગ કરી છે કે જગદગુરુ શંકરાચાર્યના પદનું ગરિમાપૂર્ણ સન્માન જળવાવું જોઈએ. લોકશાહીમાં અને ધર્મપ્રધાન દેશમાં સંતો સાથે આ પ્રકારનું પોલીસ બળ પ્રયોજવું એ ગંભીર ચિંતાનો વિષય છે. ખેડાના શંકરાચાર્ય નગર ખાતે આ નિવેદન આપતી વખતે તેમની વાણીમાં સનાતન પરંપરાના રક્ષણ માટેની મક્કમતા દેખાતી હતી

 

(9:09 PM IST)