News of Saturday, 31st January 2026
PM મોદીએ સુનેત્રા પવારને પાઠવ્યા અભિનંદન: "તેઓ સ્વર્ગસ્થ અજિતદાદાના સપનાઓને નવી ઊંચાઈએ લઈ જશે"
મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM તરીકે શપથ લેતા જ વડાપ્રધાનનો ખાસ સંદેશ; 'અજિત દાદા અમર રહે'ના નારા વચ્ચે સુનેત્રા પવારે સંભાળ્યો કાર્યભાર

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં આજે એક નવો ઈતિહાસ રચાયો છે. વિમાન દુર્ઘટનામાં પતિ અજિત પવારના નિધન બાદ, સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ઐતિહાસિક ક્ષણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ખાસ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના જનકલ્યાણ અને તેમના સ્વર્ગસ્થ પતિના વિઝનને પૂર્ણ કરવામાં સફળ રહેશે.
PM મોદીનો 'X' પર ભાવુક સંદેશ
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ શરૂ કરવા બદલ સુનેત્રા પવારજીને ખૂબ ખૂબ અભિનંદન. મને પૂરો વિશ્વાસ છે કે તેઓ રાજ્યની જનતાના કલ્યાણ માટે અથાક મહેનત કરશે અને સ્વર્ગસ્થ અજિતદાદા પવારના અધૂરા સપનાઓને આગળ ધપાવશે."
લોકભવનમાં ભાવભીનું વાતાવરણ: 'અજિત દાદા અમર રહે'
મુંબઈના લોકભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહ અત્યંત ભાવુક રહ્યો હતો. જ્યારે ૬૨ વર્ષીય સુનેત્રા પવાર શપથ લેવા માટે ઊભા થયા, ત્યારે NCPના કાર્યકરો અને નેતાઓએ 'અજિત દાદા અમર રહે'ના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું. ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ NCP એ એકમતે સુનેત્રા પવારને પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે.
શરદ પવારની પ્રતિક્રિયા: "પક્ષનો પોતાનો નિર્ણય"
બીજી તરફ, રાજ્યના રાજકારણના ભીષ્મ પિતામહ શરદ પવારે આ મામલે મૌન તોડતા કહ્યું કે, સુનેત્રા પવારના શપથ ગ્રહણ વિશે તેમને કોઈ પૂર્વ જાણકારી નહોતી. બારામતીમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, "આ તેમના પક્ષનો નિર્ણય હોઈ શકે છે." તેમણે ઉમેર્યું કે પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે જેવા નેતાઓએ આ નિર્ણય લેવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોય તેમ જણાય છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
