<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ક્રિકેટ ચાહકો સાવધાન! વર્લ્ડ કપનું ગેરકાયદે સ્ટ્રીમિંગ કરશો તો વેબસાઈટ થશે બ્લોક, દિલ્હી હાઈકોર્ટનો JioStar ની તરફેણમાં ચુકાદો

ICC T20 વર્લ્ડ કપ 2026 અને અંડર-19 મેચોની પાઈરસી રોકવા હાઈકોર્ટનો કડક આદેશ; ગેરકાયદે એપ્સ અને લિંક્સને રિયલ-ટાઇમમાં બ્લોક કરવામાં આવશે

નવી દિલ્હી: ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જામવાની તૈયારીમાં છે, ત્યારે ડિજિટલ દુનિયામાં પાઈરસી કરનારાઓ પર દિલ્હી હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે JioStar ની તરફેણમાં ચુકાદો આપતા આદેશ આપ્યો છે કે આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 અને હાલમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપનું ગેરકાયદે પ્રસારણ કરતી તમામ વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સને તાત્કાલિક અસરથી બ્લોક કરવામાં આવે.
પાઈરસી કરનારાઓ પર 'રિયલ-ટાઇમ' એક્શન
ન્યાયાધીશ જ્યોતિ સિંહે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે JioStar પાસે આ ટુર્નામેન્ટના વિશિષ્ટ મીડિયા અધિકારો છે. જો કોઈ વેબસાઈટ કે એપ મંજૂરી વગર મેચનું પ્રસારણ કરતી જોવા મળશે, તો JioStar સીધી જ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs) અને સરકારી વિભાગોને તેની જાણ કરશે. આ સૂચના મળતા જ કોઈ પણ વિલંબ વગર તે લિંક્સ કે એપ્સને બ્લોક કરી દેવામાં આવશે.
"વારંવારનો ખતરો, કડક હાથે ઉકેલની જરૂર"
કોર્ટે અવલોકન કર્યું કે કોપીરાઈટ ધરાવતી સામગ્રીની ચોરી એટલે કે 'ડિજિટલ પાઈરસી' એક ગંભીર જોખમ બની ગઈ છે. ૭ ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે, ત્યારે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓથી JioStar ના વિશિષ્ટ અધિકારોનો ભંગ થાય છે અને તેને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે એકતરફી વચગાળાનો મનાઈ હુકમ (Injunction) જારી કર્યો છે.
સરકારી વિભાગોને પણ સૂચના
હાઈકોર્ટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય તેમજ ટેલિકોમ્યુનિકેશન વિભાગને પણ આદેશ આપ્યો છે કે JioStar દ્વારા વિગતો આપવામાં આવે કે તરત જ જરૂરી બ્લોકિંગ ઓર્ડર જારી કરવામાં આવે. ૨૦૨૪-૨૭ ના ચક્ર માટે ભારતમાં તમામ ICC ઇવેન્ટ્સના પ્રસારણ અધિકારો JioStar પાસે સુરક્ષિત છે.

(10:00 PM IST)