હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રના સાંગલીમાં કાળજું કંપાવનારી ઘટના : ઘર આંગણે રમતા ચાર માસુમ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો
રોષે ભરાયેલા ગ્રામજનોએ શિરાળા ખાતેની વન વિભાગની કચેરી પર હલ્લો બોલાવ્યો : દેખાવકારોએ કચેરીમાં પથરાવ અને તોડફોડ કરી

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના શિરાળા તાલુકા હેઠળના બિઉર ગામમાં શનિવારે સાંજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. ઘર આંગણે રમી રહેલા 4 વર્ષીય માસૂમ રાજવીર પાટીલ પર દીપડાએ હિંસક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પશ્ચિમ મહારાષ્ટ્રમાં વન્યજીવ અને માનવ સંઘર્ષનો મુદ્દો ફરી ગરમાયો છે અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક રાજવીર પોતાના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે નજીકની ઝાડીઓમાં છુપાઈને બેઠેલા દીપડાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. દીપડો બાળકને જડબામાં પકડીને આશરે 1 કિમી દૂર સીમ વિસ્તારમાં ખેંચી ગયો હતો. ગ્રામજનોએ બૂમાબૂમ કરતા દીપડો બાળકને છોડીને જંગલ તરફ નાસી છૂટ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે રાજવીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ બિઉર અને આસપાસના ગામોમાં ભારે તનાવ વ્યાપી ગયો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોએ શિરાળા ખાતેની વન વિભાગની કચેરી પર હલ્લો બોલાવ્યો હતો. વન વિભાગની કથિત નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવી ઉગ્ર દેખાવકારોએ કચેરીમાં પથરાવ અને તોડફોડ કરી હતી. ગ્રામજનોની માંગ છે કે જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં ન આવે અને નરભક્ષી દીપડાને ઠાર મારવાનો આદેશ ન અપાય ત્યાં સુધી તેઓ નમશે નહીં.
પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં શેરડીના ખેતરો દીપડાઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયા છે. વન્યજીવ નિષ્ણાતોના મતે, શેરડીની લણણીની મોસમમાં દીપડાઓના રહેઠાણ છીનવાઈ જવાથી તેઓ માનવ વસ્તી તરફ વળે છે. બિઉરની આ ઘટના એ જ વધતા માનવ-વન્યજીવ સંઘર્ષનું પરિણામ છે.
સ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક ધારાસભ્ય સત્યજીત દેશમુખ અને પોલીસ ઉપઅધિક્ષક અરુણ પાટીલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. તંત્ર દ્વારા પરિવારને તાત્કાલિક વળતરની ખાતરી અને દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની બાંયધરી આપવામાં આવી છે. હાલ વિસ્તારમાં SRPF અને વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
