ટ્રમ્પ-એપ્સટાઈન કનેક્શન: ૩૦ લાખ દસ્તાવેજોના રિલીઝથી ખળભળાટ, ૧૦૦૦થી વધુ વખત ઉલ્લેખ!
જેફરી એપ્સટાઈન ફાઈલ્સમાં ટ્રમ્પ સામે ગંભીર આરોપો અને વણચકાસેલી ફરિયાદોની યાદી; વ્હાઇટ હાઉસે તમામ દાવાઓને ગણાવ્યા પાયાવિહોણા

વોશિંગ્ટન,: અમેરિકામાં 'એપ્સટાઈન ફાઈલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ' હેઠળ શુક્રવારે (૩૦ જાન્યુઆરી, ૨૦૨૬) ન્યાય વિભાગે જેફરી એપ્સટાઈન તપાસના ૩૦ લાખથી વધુ દસ્તાવેજો સાર્વજનિક કર્યા છે. આ દસ્તાવેજોના ધડાકાએ અમેરિકી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, કારણ કે તેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામનો ૧૦૦૦થી વધુ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, ન્યાય વિભાગ અને ટ્રમ્પ વહીવટીતંત્રે આમાંના મોટાભાગના આરોપોને 'ખોટા અને સનસનાટીભર્યા' ગણાવીને ફગાવી દીધા છે.
દસ્તાવેજોમાં શું છે?
આ વિસ્ફોટક દસ્તાવેજોમાં ૨૦૦૦થી વધુ વીડિયો અને ૧.૮ લાખ ઈમેજોનો સમાવેશ થાય છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, તેમાં એફબીઆઈ (FBI) દ્વારા તૈયાર કરવામાં આવેલી એક યાદી છે, જેમાં ટ્રમ્પ સામે અગાઉ ક્યારેય ન ચકાસાયેલા જાતીય શોષણના આરોપો અને સૂચનાઓ છે. આ ઉપરાંત, એપ્સટાઈનની પીડિતાઓના એવા ઈન્ટરવ્યુ પણ છે જેમાં તેમણે ટ્રમ્પ સાથેની તેમની મુલાકાતો અને પાર્ટીઓની વિગતો આપી છે.
ટ્રમ્પની ભૂતકાળની મિત્રતા અને દલીલો
દસ્તાવેજોમાં પુષ્ટિ મળી છે કે ૧૯૯૦ના દાયકામાં ટ્રમ્પ અનેકવાર એપ્સટાઈનના ખાનગી વિમાનમાં મુસાફરી કરી ચૂક્યા હતા, જેનો ટ્રમ્પ અગાઉ ઈનકાર કરી રહ્યા હતા. જોકે, ન્યાય વિભાગના ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે સ્પષ્ટ કર્યું છે કે દસ્તાવેજોમાં ટ્રમ્પ વિરુદ્ધ કોઈ ગુનાહિત પ્રવૃત્તિના પુરાવા મળ્યા નથી. વ્હાઇટ હાઉસે દલીલ કરી છે કે આ તમામ વિગતો ૨૦૨૦ની ચૂંટણી પહેલા ટ્રમ્પની છબી ખરડવા માટે એફબીઆઈને મોકલવામાં આવેલા ખોટા ટિપ્સ (Tips) પર આધારિત છે.
અન્ય હાઈ-પ્રોફાઈલ નામો પણ ચર્ચામાં
માત્ર ટ્રમ્પ જ નહીં, પરંતુ આ ફાઈલ્સમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, એલન મસ્ક, બિલ ગેટ્સ અને બ્રિટિશ રાજવી પ્રિન્સ એન્ડ્રુના નામ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દસ્તાવેજો દર્શાવે છે કે એપ્સટાઈન તેના અનેક હાઈ-પ્રોફાઈલ મિત્રોની અંગત જિંદગી અને રાજકીય હિલચાલ પર બારીકાઈથી નજર રાખતો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
