<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

સવારે ૧૧.૧૫: કેન્દ્રીય બજેટ: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ત્રણ 'કર્તવ્ય' નક્કી કર્યા: ૭% ગ્રોથ રેટ સાથે ભારતને 'ગ્લોબલ બાયો ફાર્મા હબ' બનાવવાની તૈયારી

નાણામંત્રી સીતારમણે સંબોધતા કહ્યું હતું કે, "અમે ૧૨ વર્ષ પહેલા સરકાર સંભાળી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી દેશના આર્થિક હાલાત બહેતર થયા છે.

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અત્યારે સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. માઘ પૂર્ણિમા અને ગુરુ રવિદાસ જયંતિના પાવન અવસરે બજેટ રજૂ કરતા તેમણે મોદી સરકારના ૧૨ વર્ષના કાર્યકાળ અને ભવિષ્યના વિઝન પર મોટું નિવેદન આપ્યું છે.

 

બજેટના મુખ્ય અંશો (હાઈલાઈટ્સ):

 

 * સરકારે દેશના વિકાસ માટે મુખ્ય ત્રણ કર્તવ્ય નક્કી કર્યા.

 * છેલ્લા ૧૨ વર્ષમાં દેશની આર્થિક હાલત બહેતર બની.

 * ૭% (સાત ટકા) નો ગ્રોથ રેટ હાંસલ કરવામાં સફળતા.

 * ૧૬મા ફાઇનાન્સ કમિશનનો રિપોર્ટ સદનમાં મૂકાયો.

 * ભારતને ગ્લોબલ બાયો-ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય.

 

 

૧૨ વર્ષમાં આર્થિક કાયાપલટ અને ૧૬મું ફાઇનાન્સ કમિશન

 

નાણામંત્રી સીતારમણે સંબોધતા કહ્યું હતું કે, "અમે ૧૨ વર્ષ પહેલા સરકાર સંભાળી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી દેશના આર્થિક હાલાત બહેતર થયા છે. પીએમ મોદીની આગેવાનીમાં અમે 'આત્મનિર્ભરતા' ના મંત્ર પર કામ કર્યું છે અને ઘરેલુ પ્રોડક્શન (ઉત્પાદન) તથા રાજકોષીય ખાધ પર સતત નજર રાખી છે." 

 

આ સાથે જ નાણામંત્રીએ સ્પીકરની મંજૂરી સાથે ૧૬મા ફાઇનાન્સ કમિશનનો રિપોર્ટ (હિન્દી અને અંગ્રેજી કોપી) સંસદમાં રજૂ કર્યો હતો.

 

વિકસિત ભારત માટે ત્રણ મુખ્ય 'કર્તવ્ય'

નાણામંત્રીએ 'કર્તવ્ય ભવન' માં બજેટ રજૂ કરતા સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન મોદીનું ફોકસ પછાત અને વંચિત વર્ગોને આગળ લાવવા પર છે. તેમણે આ બજેટમાં મુખ્ય ત્રણ કર્તવ્ય નક્કી કર્યા છે:

 

૧. ઇકોનોમિક ગ્રોથ (આર્થિક વિકાસ) ને વધારવો અને જારી રાખવો.

 

૨. લોકોની અપેક્ષાઓ પૂરી કરવી અને તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા.

 

૩. 'સૌનો સાથ, સૌનો વિકાસ' ના ફોર્મ્યુલા સાથે તમામ લોકોને તકો ઉપલબ્ધ કરાવવી.

 

૭% નો ગ્રોથ રેટ અને ગ્લોબલ વિઝન

 

દેશની પ્રગતિ અંગે વાત કરતા સીતારમણે જણાવ્યું કે, "અમે લોકોની 'યુનિવર્સલ સર્વિસ' પર ધ્યાન આપ્યું છે, જેના કારણે ૭% (સાત ટકા) નો ગ્રોથ રેટ હાંસલ કરવામાં મદદ મળી છે. અમે દુનિયાની સૌથી મોટી ઇકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યા છીએ." તેમણે ખાતરી આપી હતી કે ગ્રોથના પરિણામો માત્ર ઉદ્યોગપતિઓ સુધી નહીં, પરંતુ ખેડૂતો, આદિવાસીઓ, મહિલાઓ અને યુવાનો સુધી પહોંચશે.

 

રીફોર્મ એક્સપ્રેસ અને ૨૦૨૫ નો જીએસટી સુધાર

 

સરકારની 'રીફોર્મ એક્સપ્રેસ' અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે ઉત્પાદન વધારવા અને ગ્રોથ તેજ કરવાના પ્રયાસો ચાલુ છે. વડાપ્રધાને વર્ષ ૨૦૨૫ માં જીએસટી (GST) સુધાર લાગુ કરવાનું મહત્વનું કામ કર્યું છે. રાજ્ય સરકારો સાથે મળીને કેન્દ્ર સરકાર પોતાનું કર્તવ્ય પૂરું કરી રહી છે.

 

વધુમાં, ભારતને વિશ્વ ફલક પર લઈ જવા માટે 'ગ્લોબલ બાયો ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ' બનાવવાની તૈયારીઓ પણ બજેટમાં દર્શાવવામાં આવી છે. સરકાર ગ્લોબલ માર્કેટ સાથે લોન્ગ ટર્મ (લાંબા ગાળાના) ઇન્વેસ્ટમેન્ટના વિઝન સાથે આગળ વધી રહી છે.

 

(11:26 AM IST)