<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

ચીનમાં ‘શી’ની સર્જિકલ સ્ટ્રાઈક: મંત્રીઓ પણ જેલભેગા!

ભ્રષ્ટાચારના બહાને શી જિનપિંગે વિરોધીઓનો સફાયો શરૂ કર્યો; હાઈપ્રોફાઈલ જનરલો બાદ હવે કેબિનેટ મંત્રી વાંગ શિયાંગશી શિકંજામાં આવતા ચીની રાજકારણમાં ભારે ખળભળાટ અને ફફડાટ

શહેર: બેઇજિંગ (ચીન) : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સત્તાના સર્વોચ્ચ શિખર પર ટકી રહેવા માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. 'ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન'ના મહોરા હેઠળ જિનપિંગે હવે પોતાના જ કેબિનેટના કટોકટી વ્યવસ્થાપન મંત્રી વાંગ શિયાંગશી સામે તપાસના આદેશ આપીને આખા દેશને ચોંકાવી દીધો છે. 63 વર્ષીય વાંગ, જેઓ સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા ગણાય છે, તેમના પર "ગંભીર શિસ્તભંગ" ના ગૂઢ આરોપો લગાવાયા છે. ચીની રાજકારણમાં આ શબ્દોનો સીધો અર્થ એ છે કે હવે વાંગની કારકિર્દી અને સ્વતંત્રતા બંને જોખમમાં છે.

આ કાર્યવાહી માત્ર એક મંત્રી પૂરતી સીમિત નથી, પરંતુ જિનપિંગના એ વિરાટ મિશનનો ભાગ છે જેમાં તેઓ પાર્ટી અને લશ્કરમાંથી પોતાના સંભવિત હરીફોને દૂર કરી રહ્યા છે. તાજેતરમાં જ ચીનના સંરક્ષણ માળખાના બીજા સૌથી શક્તિશાળી જનરલ ઝાંગ યુક્સિયા સામે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે કોઈ દેશના સંરક્ષણ મંત્રી અને કેબિનેટ મંત્રી સ્તરના અધિકારીઓ એકસાથે શંકાના દાયરામાં આવે, ત્યારે સ્પષ્ટ સમજાય છે કે ચીનની અંદર કંઈક મોટું રંધાઈ રહ્યું છે. જિનપિંગે આ સફાઈ અભિયાનને "ક્યારેય ન હારી શકાય તેવું યુદ્ધ" ગણાવ્યું છે.

સીસીડીઆઈ (CCDI) ના અહેવાલ મુજબ, વાંગ શિયાંગશી અગાઉ ચીનની સરકારી ઊર્જા કંપનીના વડા રહી ચૂક્યા છે, તેથી તેમના પર નાણાકીય અનિયમિતતાઓના આરોપો પણ લાગી શકે છે. રસપ્રદ વાત એ છે કે, વાંગ આ અઠવાડિયે જ એક સત્તાવાર બેઠકમાં દેખાયા હતા જ્યાં તેમને "આત્મ-ટીકા" કરવાની ફરજ પાડવામાં આવી હતી. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીમાં આ એક એવી પરંપરા છે જ્યાં નેતાઓને જાહેરમાં પોતાની ભૂલો કબૂલ કરાવીને તેમને નબળા પાડવામાં આવે છે અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવે છે.

ગયા વર્ષે રેકોર્ડબ્રેક 65 વરિષ્ઠ અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા બાદ, 2026 માં આ આંકડો વધુ મોટો થવાની ધારણા છે. જિનપિંગની આ ઝુંબેશ હવે માત્ર સરકાર સુધી મર્યાદિત નથી, પરંતુ યુનિવર્સિટીઓ, બેંકો અને સેનાના ઉચ્ચ હોદ્દાઓ સુધી પ્રસરી ગઈ છે. વિવેચકોનું માનવું છે કે ભ્રષ્ટાચાર તો માત્ર બહાનું છે, અસલ હેતુ તો શી જિનપિંગની સત્તાને પડકારનારા દરેક અવાજને કાયમ માટે શાંત કરી દેવાનો છે. આગામી દિવસોમાં હજુ પણ કેટલા 'મોટા માથાઓ' આ કાર્યવાહીનો ભોગ બનશે તેના પર આખી દુનિયાની નજર છે.

(1:47 PM IST)