<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બજેટ ૨૦૨૬ ટેક્સ સ્પેશિયલ: તમામ દરખાસ્તો એક નજરે

ઈન્કમ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સની દરખાસ્તો

 * ટેક્સ સ્લેબ યથાવત: સામાન્ય કરદાતાઓ અને નોકરિયાત વર્ગ માટે ઈન્કમ ટેક્સના સ્લેબમાં કે દરોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા વર્ષની વ્યવસ્થા જ ચાલુ રહેશે.

 * ટેક્સ ચોરીમાં રાહત: ગંભીર ટેક્સ ચોરીના કેસમાં હવે જેલની સજાની જોગવાઈ રદ કરવામાં આવી છે. જેલને બદલે હવે માત્ર આર્થિક દંડ એટલે કે પેનલ્ટી ભરીને કેસ પતાવી શકાશે.

 * વિદેશ પ્રવાસ સસ્તો: લિબરાઈઝડ રેમિટન્સ સ્કીમ એટલે કે એલઆરએસ હેઠળ વિદેશ પ્રવાસ માટેના પેકેજ પર લાગતો ટીસીએસ ઘટાડીને ફ્લેટ ૨ ટકા કરવામાં આવ્યો છે. અગાઉ આ દર ૫ ટકા અને ૨૦ ટકા હતો.

 * સારવાર પરનો ટેક્સ ઘટ્યો: વિદેશમાં મેડિકલ સારવાર માટે જે ખર્ચ કરવામાં આવે છે તેના પરનો ટીસીએસ ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરી દેવામાં આવ્યો છે.

 * વીમામાં ફાયદો: મોટર ઈન્સ્યોરન્સના ક્લેમ કે પેમેન્ટ પર હવે ટીડીએસ કપાશે નહીં. તેને ટીડીએસ મુક્ત જાહેર કરાયો છે.

 * શેર બાયબેક પર ટેક્સ: કંપનીઓ દ્વારા કરવામાં આવતા શેર બાયબેક પર હવે શેરધારકોએ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે તેવી દરખાસ્ત છે.

 

રિટર્ન ફાઈલિંગ અને વહીવટી સુધારા

 

 * રિટર્નની તારીખો: સામાન્ય નાગરિકો માટે આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ રહેશે. જ્યારે નોન ઓડિટ બિઝનેસ અને ટ્રસ્ટ માટે ૩૧ ઓગસ્ટ સુધીની મુદત આપવામાં આવી છે.

 * રિટર્ન રિવાઈઝ કરવાની છૂટ: કરદાતાઓ હવે નજીવી ફી ભરીને પોતાના ભરેલા રિટર્નમાં સુધારા-વધારા કરી શકશે.

 * અપડેટ રિટર્ન: ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા રીએસેસમેન્ટ કરવામાં આવે તે પછી પણ ૧૦ ટકા વધારાનો ટેક્સ ભરીને અપડેટ કરેલું રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપવામાં આવી છે.

 

કસ્ટમ્સ ડ્યુટી અને ઈનડાયરેક્ટ ટેક્સની દરખાસ્તો

 * સોનું-ચાંદી: સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણે ઝવેરી બજારમાં ભાવ ઘટશે.

 * કેન્સરની દવાઓ: કેન્સરની સારવારમાં વપરાતી ૧૭ પ્રકારની દવાઓ પર કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે.

 * પર્સનલ સામાન: વિદેશથી પર્સનલ યુઝ માટે મંગાવવામાં આવતી ચીજવસ્તુઓ પરની આયાત જકાત ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી દેવામાં આવી છે.

 * મોબાઈલ અને ગેજેટ્સ: મોબાઈલ ફોનના સ્પેરપાર્ટ્સ, ચાર્જર અને માઈક્રોવેવ ઓવનના ઉત્પાદનમાં વપરાતા પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે.

 * વિમાનના પાર્ટ્સ: મેક ઈન ઈન્ડિયાને વેગ આપવા સિવિલિયન એરક્રાફ્ટના પાર્ટ્સ બનાવવા માટે આયાત થતા કાચા માલ પર ટેક્સ નાબૂદ કરાયો છે.

 * સંરક્ષણ સાધનો: ડિફેન્સ સેક્ટર માટે આયાત થતા વિશિષ્ટ સાધનો પરની બેઝિક કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ઉદ્યોગો માટે

 * કોર્પોરેટ ટેક્સ: નવી સ્થપાતી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ૧૫ ટકાના દરે કોર્પોરેટ ટેક્સ ભરવાની યોજનાની મુદત વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.

 

(2:00 PM IST)