<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, સહિતના ચૂંટણી રાજ્યોમાં નાણામંત્રીએ બજેટમાં ઘણું આપ્યું : ભાજપ ના જીતે તો જ નવાઈ

મોદી સરકારે બજેટ દ્વારા યુવાઓ અને મહિલાઓને પુરતા ધ્યાનમાં લીધા: નાણામંત્રીએ બજેટ એવા સમયે રજૂ કર્યું જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માથે છે. એવામાં આવા રાજ્યોમાં પૂરતું ધ્યાન અપાયું

નવી દિલ્હી :કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2026-27નું સામાન્ય બજેટ રજૂ કર્યુ હતું. મોદી સરકારે બજેટ દ્વારા યુવાઓ અને મહિલાઓને પુરતા ધ્યાનમાં લીધા છે. નાણામંત્રીએ બજેટ એવા સમયે રજૂ કર્યું જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માથે છે. એવામાં મોદી સરકારનું પૂરતું ધ્યાન રહ્યું છે 

આ પાંચ રાજ્યો એટલે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભાનો સમાવેશ થાય છે. એપ્રિલ - મે મહિનામાં આ પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે. બીજેપીની નજર ખાસ કરીને મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળ પર છે. જે કિલ્લાને ભેદવાની તેઓ છેલ્લા દસ વર્ષથી મહેનત કરી રહ્યા છે.

ભાજપ દક્ષિણ ભારતના તમિલનાડુ અને કેરળમાં પણ પોતાનો પાયો મજબૂત કરવા ઇચ્છે છે. એવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યાં ચૂંટણી છે એ રાજ્યોને શું આપ્યું તેના પર સૌની નજર હતી.

 

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરતાં બંગાળમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને દાનકુનિ (ઇસ્ટ)થી સુરત (વેસ્ટ) સુધીનો નવો ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર બનાવવાની જાહેરાત કરી છે. આ કારણે બંગાળથી ગુજરાત સુધી માલ સામાનનું કામ સરળ થશે. ગુજરાતથી બંગાળ સુધી માલ સામાનની હેરફેરનું કામ સરળ પણ થશે અને ઝડપથી પણ થશે. બેઉ રાજ્યોમાં વેપાર વધશે. આ સિવાય નાણામંત્રીએ પશ્ચિમ બંગાળને હાઇ સ્પીડ ટ્રેનની ભેટ આપી છે. બંગાળના સિલગુડીને વારાણસી સાથે જોડવા માટે એક હાઇ-સ્પીડ રેલ્વે લાઇન બનાવવામાં આવશે. સાથે જ ઇસ્ટ કૉસ્ટ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડોર પણ વિકસિત કરવામાં આવશે. જેમાં બંગાળનું દુર્ગાપુર એક મહત્ત્વનું અને સારી રીતે જોડાયેલું કેન્દ્ર હશે. એક તરફ મોદી સરકારે બંગાળને આટલું આપી ચૂંટણી જીતવા માટે એક ડાફ ભરી છે, બીજી તરફ દીદી કહી રહ્યા છે કે, મોદી સરકારે બજેટમાં બંગાળને કશું નથી આપ્યું.

એપ્રિલમાં તમિલનાડુમાં ચૂંટણી થવાની છે. બીજેપી તમિલનાડુમાં પગ ખોડીને બેસેલી ડીએમકેને સત્તા બહારનો રસ્તો બતાવવા પૂરતી એડિચોટીનું જોર લગાવી રહી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે તમિલનાડુ, ઓરિસ્સા, કેરળ અને આંધ્ર પ્રદેશમાં રેયર અર્થ મિનરલ્સ માટે વિશેષ કૉરિડૉર બનાવવામાં આવશે. જેને ખનિજ કૉરિડોર પણ કહી શકાય. તમિલનાડુ અને આંધ્ર પ્રદેશની સીમાવર્તી પર સ્થિત પુલિકટ ઝીલની આસપાસ પક્ષી જોવા માટે ટ્રેલ્સને વિકસિત કરવામાં આવશે. નાળિયેર, કાજુ અને કૉકૉ જેવા ઊંચા પાકને પ્રોત્સાહન આપવા માટેની વાત પણ બજેટમાં થઈ છે. આ કારણે તમિલનાડુ અને કેરળના ખેડૂતોને ફાયદો મળશે. એવામાં જોવાનું એ છે કે દક્ષિણના ગઢ પર ભાજપ આ બજેટ દ્વારા કમળ ખીલવી શકે છે કે નહીં.

 

તમિલનાડુની સાથે મોદી સરકારે કેરળમાં પણ રાજકીય દાવ રમ્યો છે. રેર અર્થ કૉરિડોર જે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ થઈને જશે. જેમાં કેરળનો પણ સમાવેશ થાય છે. ઓડિશા અને કર્ણાટકની સાથે સાથે કેરળના તટના વિસ્તારોમાં કાચબાઓના સંરક્ષણ માટે 'ટર્ટલ ટ્રેલ્સ' વિકસિત કરવામાં આવશે.

આસામમાં બીજેપી છેલ્લા દસ વર્ષથી સત્તામાં છે. અને આ વર્ષે જીતની હેટ્રીક લગાવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. એવામાં ભાજપ કોઈ પણ કારણોસર આસામને ગુમાવવા નહીં ઇચ્છે. નાણામંત્રીએ માનસિક સ્વાસ્થ્ય અને ટ્રૉમા કેયર માટે આસામના તેજપુરમાં NIMHANS 2 બનાવવાની જાહેરાત કરી છે. આ સિવાય પૂર્વોત્તરને પણ ધ્યાનમાં લેવાની કવાયત આદરી છે. આ માટે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મણિપુર, મિજોરમ અન ત્રિપુરામાં બૌદ્ધ સર્કિટના વિકાસ માટે એક યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ છે. કેન્દ્ર શાસિત રાજ્ય પોંડિચેરી માટે બજેટમાં કોઈ જાહેરાત નથી. 

(6:06 PM IST)