News of Sunday, 1st February 2026
મમતા બેનર્જીએ ચૂંટણી પંચ સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા : રાજકીય પક્ષપાત અને સરમુખત્યારશાહી વલણ સામે કાયદાકીય લડાઈનું રણશિંગુ ફુક્યું
મતદાર યાદી સુધારણાની આડમાં NRC લાવવાનો આરોપ :અરજીમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને પણ આરોપી બનાવવામાં આવતા બંગાળના રાજકારણમાં નવો ગરમાવો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ચૂંટણી પંચ વચ્ચે ચાલી રહેલી લડાઈ હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગઈ છે. મમતા બેનર્જીએ ચૂંટણી પંચ સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં તેમણે પંચ પર રાજકીય પક્ષપાત અને સરમુખત્યારશાહી વલણ અપનાવવાનો અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોનું કહેવું છે કે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા પાસે નિષ્પક્ષતાની અપેક્ષા હોય છે, પરંતુ હાલનું વર્તન લોકશાહી માટે ચિંતાનો વિષય બની ગયું છે. આ અરજીમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને પણ આરોપી બનાવવામાં આવતા બંગાળના રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે.
આ સમગ્ર વિવાદના મૂળમાં રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદીની 'સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન' પ્રક્રિયા છે, જેને મુખ્યમંત્રીએ ગેરબંધારણીય ગણાવી છે. મમતા બેનર્જીનો દાવો છે કે આ કવાયતની આડમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કેન્દ્ર સરકાર પાછલા બારણેથી એનઆરસી (NRC - National Register of Citizens) લાગુ કરવાનું મોટું ષડયંત્ર રચી રહી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આ પ્રક્રિયા દ્વારા સામાન્ય નાગરિકોના લોકશાહી અધિકારો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મમતાએ અગાઉ પણ ચેતવણી આપી હતી કે તેઓ લોકોના હકોના રક્ષણ માટે કોઈ પણ હદ સુધી જશે અને હવે તેમણે કાયદાકીય લડાઈનું રણશિંગુ ફૂંકી દીધું છે.
મમતા બેનર્જીએ પોતાની પિટિશન દ્વારા માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટ આ સંવેદનશીલ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને જરૂરી નિર્દેશો આપે. તેમનો તર્ક છે કે જો આ પ્રક્રિયા પર રોક લગાવવામાં નહીં આવે તો ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા અને લોકશાહીનો પાયો નબળો પડી જશે. તેમણે કેન્દ્ર સરકાર પાસે પણ આ મામલે જવાબદેહી માંગી છે અને આ સમગ્ર ઘટનાક્રમને નાગરિક અધિકારો પરનો હુમલો ગણાવ્યો છે. હવે સમગ્ર દેશની નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટકેલી છે કે શું અદાલત બંગાળમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પર સ્ટે આપશે કે ચૂંટણી પંચને કામગીરી ચાલુ રાખવાની મંજૂરી આપશે
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
