સોનાના ભાવમાં ઐતિહાસિક કડાકો : બે દિવસમાં કિંમતો 20% સુધી ગબડતા રોકાણકારોમાં ભારે ફફડાટ
રેકોર્ડ ઊંચાઈએથી સોનું પ્રતિ 10 ગ્રામ 32,000 રૂપિયાથી વધુ સસ્તું થયું : અમદાવાદમાં 24 કેરેટનો ભાવ 1.60 લાખની સપાટીએ પહોંચ્યો : વૈશ્વિક બજારમાં નફા વેચવલી અને મજબૂત ડોલરને કારણે પીળી ધાતુના ભાવમાં મોટું ગાબડું

નવી દિલ્હી, તા. 2 ફેબ્રુઆરી : વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી ભારે ઉથલપાથલ અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલી આક્રમક નફાતુલપીને કારણે સોનાના ભાવમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મોટો કડાકો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં 20 ટકાથી વધુનો ધરખમ ઘટાડો નોંધાયો છે. સોમવારે સવાર સુધીમાં ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના આંકડા મુજબ સોનું ઘટીને પ્રતિ 10 ગ્રામ 1,48,697 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે.
ભાવમાં જોવા મળેલી વધ-ઘટની વિગત
શુક્રવારે સોનાનો ભાવ આ વર્ષની સર્વોચ્ચ સપાટી 1,80,779 રૂપિયા પર પહોંચ્યા બાદ સતત ગગડી રહ્યો છે. દિલ્હીના સર્રાફા બજારમાં જે સોનું ગુરુવારે 1,83,000 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતું, તે હવે તૂટીને 1,69,000 રૂપિયા પર આવી ગયું છે. MCX પર રવિવારે બજેટના દિવસે પણ ઘટાડો ચાલુ રહ્યો હતો અને એક સમયે સોનું ઘટીને 1,36,185 રૂપિયા સુધી પહોંચી ગયું હતું, જોકે બાદમાં રિકવર થઈને 1,43,000 રૂપિયા પર બંધ રહ્યું હતું. કોમેક્સ (COMEX) પર પણ સોનાના ભાવમાં 11.39 ટકાનો ઘટાડો થતા તે 4,745.10 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજનો ભાવ
આજના તાજા આંકડા મુજબ, અમદાવાદ, સુરત અને વડોદરામાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ અંદાજે 1,60,630 રૂપિયા બોલાઈ રહ્યો છે. જ્યારે 22 કેરેટ દાગીનાના સોનાનો ભાવ 1,47,250 રૂપિયા અને 18 કેરેટ સોનાનો ભાવ 1,20,490 રૂપિયાની આસપાસ છે. રાજકોટમાં પણ ભાવમાં આવો જ ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોમાં પણ ભાવ 1.60 લાખની સપાટીએ સ્થિર થયા છે.
શા માટે સોનું તૂટ્યું? નિષ્ણાતોનો મત
બજારના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, સોનાના ભાવમાં આવેલા આ મોટા કડાકા પાછળ મુખ્યત્વે વૈશ્વિક સંકેતો જવાબદાર છે. અમેરિકી ફેડરલ રિઝર્વના આગામી પ્રમુખ તરીકે કેવિન વોર્શનું નામ સામે આવતા ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો છે, જેના કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. એચડીએફસી સિક્યોરિટીઝના નિષ્ણાતો માને છે કે સોનું લાંબા સમયથી 'ઓવર બોટ' (વધારે પડતી ખરીદી)ની સ્થિતિમાં હતું, જેના કારણે આ ટેકનિકલ કરેક્શન અનિવાર્ય હતું. મોટા સંસ્થાકીય રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કરતા બજારમાં વેચવાલીનું મોજું ફરી વળ્યું છે.
દાગીના ખરીદનારાઓ માટે રાહત
લગ્નની સીઝન પૂર્વે સોનાના ભાવમાં આવેલા આ ઘટાડાથી સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળી છે. જોકે, બજારમાં હજુ પણ અસ્થિરતા હોવાથી રોકાણકારો સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. નિષ્ણાતોના મતે જો ડોલર હજુ વધુ મજબૂત થશે તો સોનાના ભાવમાં હજુ પણ થોડો ઘટાડો જોવા મળી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
