News of Monday, 2nd February 2026
જેફરી એપ્સ્ટીન લિસ્ટ પરથી ધ્યાન હટાવવા અમેરિકા આગામી ૪૮ કલાકમાં ઈરાન પર હુમલો કરશે? સર્બિયાના રાષ્ટ્રપતિનો ચોંકાવનારો દાવો
વુસિકે આ ઘટનાક્રમની સરખામણી ૧૯૯૮ના બિલ ક્લિન્ટન અને મોનિકા લેવિન્સ્કી પ્રકરણ સાથે કરી: જ્યારે કૌભાંડ દબાવવા બોમ્બમારો કરવામાં આવેલ

મોસ્કો: સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિકે એક સનસનીખેજ દાવો કર્યો છે કે કુખ્યાત જાતીય અપરાધી જેફરી એપ્સ્ટીનના દસ્તાવેજો જાહેર થવાથી, લોકોનું ધ્યાન હટાવવા માટે, અમેરિકા આગામી ૩૬થી ૪૮ કલાકમાં ઈરાન પર લશ્કરી હુમલો કરી શકે છે. વુસિકે આ ઘટનાક્રમની સરખામણી ૧૯૯૮ના બિલ ક્લિન્ટન અને મોનિકા લેવિન્સ્કી પ્રકરણ સાથે કરી હતી, જ્યારે કૌભાંડ દબાવવા માટે બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિકે તાજેતરમાં એક ટીવી ઇન્ટરવ્યુમાં એવી આશંકા વ્યક્ત કરી છે કે અમેરિકા ટૂંક સમયમાં, એટલે કે આગામી ૪૮ કલાકની અંદર ઈરાન પર સૈન્ય કાર્યવાહી અથવા હવાઈ હુમલો કરી શકે છે. રાષ્ટ્રપતિ વુસિકે આ સંભવિત હુમલાના સમયને હાલમાં જ અમેરિકામાં જાહેર થયેલા 'જેફરી એપ્સ્ટીન લિસ્ટ' સાથે જોડ્યો છે.
સર્બિયન બ્રોડકાસ્ટર 'પિંક ટીવી' પર વાત કરતા અને સર્બિયન દૈનિક 'બ્લિક' દ્વારા ટાંકવામાં આવેલા અહેવાલ મુજબ, વુસિકે કહ્યું હતું કે, "હું જોઈ રહ્યો છું કે એપ્સ્ટીનના દસ્તાવેજો બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે ભૂતકાળની જેમ મોનિકા લેવિન્સ્કી જેવી આવી કોઈ બાબતો કે વિવાદો સામે આવે છે, ત્યારે સામાન્ય રીતે કોઈને કોઈ દેશ પર બોમ્બમારો કરવામાં આવે છે. મને આશંકા છે કે આગામી ૪૮ કલાકમાં ઈરાન પર હુમલો થશે."
*ઈતિહાસનું પુનરાવર્તન? બિલ ક્લિન્ટન અને મોનિકા લેવિન્સ્કીનું ઉદાહરણ:* પોતાના દાવાને મજબૂત કરવા માટે, સર્બિયન રાષ્ટ્રપતિએ ૧૯૯૮ની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન દ્વારા વ્હાઇટ હાઉસની ઈન્ટર્ન મોનિકા લેવિન્સ્કી સાથેના અયોગ્ય સંબંધોનો સ્વીકાર કર્યો હતો અને તેમના પર મહાભિયોગનું દબાણ વધી રહ્યું હતું, ત્યારે તેના ગણતરીના દિવસોમાં જ અમેરિકાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
ઓગસ્ટ ૧૯૯૮માં, ક્લિન્ટનના એકરારનામા બાદ તરત જ, અમેરિકાએ 'ઓપરેશન ઈન્ફિનિટ રીચ' શરૂ કર્યું હતું. જે અંતર્ગત અફઘાનિસ્તાન અને સુદાનમાં ક્રુઝ મિસાઈલો છોડવામાં આવી હતી. જેમાં સુદાનની અલ-શિફા ફાર્માસ્યુટિકલ ફેક્ટરીનો પણ સમાવેશ થતો હતો, જેને વોશિંગ્ટને આતંકવાદ સાથે જોડી હતી.
વુસિકનું માનવું છે કે એપ્સ્ટીન લિસ્ટમાં મોટા માથાઓના નામ સામે આવતા ઉભા થયેલા વિવાદને શાંત કરવા માટે અમેરિકા ફરીથી આવી જ 'ડિસ્ટ્રેક્શન' (ધ્યાન ભટકાવવાની) રણનીતિ અપનાવી શકે છે.
સોશિયલ મીડિયા પર નિવેદન વાયરલ:
વુસિકનું આ નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (અગાઉનું ટ્વિટર) અને અન્ય માધ્યમો પર ખૂબ વાયરલ થયું છે. ઘણા લોકો એ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે શું ખરેખર ઘરેલુ કૌભાંડો પરથી પ્રજાનું ધ્યાન હટાવવા માટે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ઉભી કરવામાં આવે છે? સીએનએન ન્યૂઝ ૧૮ સહિતના મીડિયા હાઉસે પણ આ સમાચારને પ્રમુખતાથી પ્રસિદ્ધ કર્યા છે અને લોકોના મંતવ્યો માંગ્યા છે.
નોંધનીય છે કે જેફરી એપ્સ્ટીન એક દોષિત જાતીય અપરાધી હતો, જેના પ્રભાવશાળી રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ સાથે સંબંધો હતા. હાલમાં જ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં ઘણા મોટા નામો સામે આવ્યા છે, જેના કારણે અમેરિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
