<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

બજેટમાં બીડી થઈ સસ્‍તી? સોશિયલ મીડિયા પર મીમ્‍સનું તોફાન

સ્‍વાસ્‍થ્‍ય માટે બંને વસ્‍તુ હાનિકારક છે તો સિગરેટ આટલી મોંઘી અને બીડી સસ્‍તી કેમ?

નવી દિલ્‍હી,તા.૦૨: સોશિયલ મીડિયા પર દર વર્ષની જેમ આ વર્ષે પણ બજેટ રજૂ થયા બાદ અલગ અલગ મીમ્‍સ જોવા મળ્‍યા હતા. ઘણા લોકોએ આ બજેટને લઈને ખુશી વ્‍યક્‍ત કરી તો ઘણા લોકોએ નારાજગી વ્‍યક્‍ત કરી. જોકે અમુક લોકોને સરકારના નિર્ણયો સમજમાં ન આવ્‍યા ખાસ કરીને તમાકુ અને સિગરેટના નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર અલગ અલગ મીમ્‍સ વાયરલ થયા છે. લોકોને સવાલ એ વાતને લઈને છે કે જો સિગરેટના ભાવ વધારવામાં આવ્‍યા તો પછી બીડીના ભાવમાં શા માટે કોઈ ફેરફાર ન થયો.

સરકારે સિગરેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્‍પાદનો પર જીએસટી વધારીને ૪૦ ટકા કરી દીધું છે. બીજી તરફ બીડી પર જીએસટી ઘટાડીને તેને ૧૮ ટકાના સ્‍લેબમાં નાખી દીધી છે. બીડી બનાવવા માટે જે પત્તાનો ઉપયોગ થાય છે તેના પર ૧૮ ટકા જીએસટી ઘટાડીને ૫ ટકા કરી દીધું છે. એટલે એ વસ્‍તુ સ્‍પષ્ટ છે કે બીડી સસ્‍તી થઈ પણ સિગરેટ અને તમાકુ મોંઘા થવાના છે.

આ મુદ્દે સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા ઘણા સવાલો કરવામાં આવી રહ્યા છે. જ્‍યારે સ્‍વાસ્‍થ્‍ય માટે બંને વસ્‍તુ હાનિકારક છે તો સિગરેટ આટલી મોંઘી અને બીડી સસ્‍તી કેમ? શું સિગરેટ વધારે જોખમી છે અને બીડી નથી કે પછી આ નિર્ણય અન્‍ય કારણોસર લેવામાં આવ્‍યો છે? આ બધા વચ્‍ચે સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં મીમ્‍સ વાયરલ થઈ રહ્યા છે. કોઈએ સિગરેટ પીતા લોકોને રડતા દેખાડ્‍યા છે. તો કોઈએ બીડી પીતા લોકો બચી ગયા હોવાનું જણાવ્‍યું છે. ઘણા મીમ્‍સ સોશિયલ મીડિયા પર બજેટને લઈને સરકારને સવાલ પૂછતા દેખાયા છે.

બીડી પર જીએસટીમાં જે રાહત આપવામાં આવી છે. તેને લઈને સરકારનો ઉદ્દેશ ઘરેલૂ બીડી ઉદ્યોગને રાહત આપવાનો માનવામાં આવી રહ્યો છે. ટ્રેડ યુનિયનો અનુસાર આ ઉદ્યોગમાં ૬૦ થી ૭૦ લાખ લોકો કામ કરે છે. જેમાં મહિલાઓ સૌથી વધારે કામ કરે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના આંકડા પણ બતાવે છે કે દેશમાં અંદાજે ૪૦ લાખ લોકો સીધી રીતે બીડી ઉદ્યોગ સાથે જોડાયેલા છે. જેથી બીડી પર ટેક્‍સ ઓછો કરવો રોજગાર બચાવવાના પ્રયાસ કહી શકાય. 

 

(11:20 AM IST)