<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

'વિશ્વની છત' પર હલચલ: તિબેટની પ્લેટો પ્રવાહીની જેમ વહી રહી છે, એશિયાનો નકશો બદલાવાની ભીતિ

ભારત-યુરેશિયન પ્લેટોની અથડામણથી પૂર્વી તિબેટ દર વર્ષે 25 મીમી ખસી રહ્યું છે; ભૂકંપના જોખમમાં વધારો

 
નવી દિલ્હી, તા. 02: ભૂસ્તરશાસ્ત્રીઓની નવીનતમ શોધ મુજબ, 'વિશ્વની છત' ગણાતો તિબેટીયન ઉચ્ચપ્રદેશ (Tibetan Plateau) તેની સપાટી નીચે કોઈ ચોંકાવનારી ગતિવિધિ કરી રહ્યો છે. ઉપગ્રહ ડેટા દ્વારા જાણવા મળ્યું છે કે તિબેટની નીચેનો પૃથ્વીનો પોપડો (Crust) ઘન ખડકને બદલે કોઈ ધીમા વહેતા પ્રવાહી જેવું વર્તન કરી રહ્યો છે. આ હિલચાલ એટલી વ્યાપક છે કે તે ભવિષ્યમાં સમગ્ર એશિયાના ભૌગોલિક નકશાને બદલી શકે છે.
યુરોપિયન સ્પેસ એજન્સીના 'સેન્ટિનેલ-1' ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી હજારો રડાર ઈમેજોના વિશ્લેષણ બાદ વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે, ભારત અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો વચ્ચેની પ્રચંડ અથડામણને કારણે પૂર્વી તિબેટ દર વર્ષે આશરે 25 મિલીમીટર જેટલું પૂર્વ તરફ ધકેલાઈ રહ્યું છે. આ હિલચાલ જૂના ભૂસ્તરશાસ્ત્રીય સિદ્ધાંતોને પડકાર આપે છે, જે મુજબ પૃથ્વીના ખંડોને માત્ર કઠોર બ્લોક્સ માનવામાં આવતા હતા.
શા માટે આ શોધ ચિંતાજનક છે?
•    નબળો પડતો 'કુનલુન ફોલ્ટ': સંશોધકોના મતે કુનલુન ફોલ્ટ લાઈન અગાઉની ધારણા કરતા વધુ નબળી છે, જે તિબેટના આંતરિક ભાગને પૂર્વ તરફ વહેવા માટે માર્ગ કરી આપે છે.
•    ભૂકંપનું જોખમ: ઉચ્ચપ્રદેશના અમુક વિસ્તારો દર વર્ષે 5 મીમી ડૂબી રહ્યા છે તો અમુક એટલા જ ઉપર આવી રહ્યા છે. આ અસમાન હિલચાલ હિમાલય અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા ભૂકંપના સંકેત આપી શકે છે.
•    નકશામાં પરિવર્તન: 2.5 મિલિયન ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ વિસ્તાર ભારત, નેપાળ, પાકિસ્તાન અને ચીનની સરહદોને સ્પર્શે છે. અહીં થતી નાની હિલચાલ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક સીમાઓ અને કુદરતી સંસાધનો પર અસર કરી શકે છે.
વૈજ્ઞાનિકો આ ડેટાનો ઉપયોગ ભૂકંપના જોખમવાળા વિસ્તારોનું ચોક્કસ મેપિંગ કરવા માટે કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવનારી કુદરતી આપત્તિઓ સામે વધુ સારી તૈયારી કરી શકાય. ખડકોનું પ્રવાહી જેવું વહેવું એ પૃથ્વીની આંતરિક શક્તિઓનું એક અદ્ભુત પણ ચેતવણી સમાન ઉદાહરણ છે.

(3:33 PM IST)