News of Monday, 2nd February 2026
જાહેર ક્ષેત્રની બેંકો વેચવાની તૈયારી ! રૂ.૧૭૧ લાખ કરોડની સંપત્તિ પર વિદેશીઓની નજર
જાહેર ક્ષેત્રની બેંકોમાં FDI મર્યાદા વધારવામાં આવી શકે છે હાલમાં, દેશમાં રૂ.૧૭૧ લાખ કરોડની સંયુક્ત સંપત્તિ ધરાવતી ૧૨ જાહેર ક્ષેત્રની બેંકો છે : સરકાર આ બેંકોમાં ૫૧% હિસ્સો જાળવી રાખવા માંગે છે. હાલમાં, આ બેંકોમાં સરકારનો નોંધપાત્ર હિસ્સો છે

નવી દિલ્હી, તા.૨: જાહેર ક્ષેત્રની બેંકોમાં ૪૯% સુધીના વિદેશી સીધા રોકાણ (FDI) ને મંજૂરી આપવામાં આવી શકે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, સરકાર આ મુદ્દા પર મંત્રાલયો વચ્ચે ચર્ચા કરી રહી છે. હાલમાં, જાહેર ક્ષેત્રની બેંકોમાં FDI મર્યાદા ૨૦% છે. નાણાકીય સેવા સચિવ એમ. નાગરાજુએ જણાવ્યું હતું કે સરકાર આ અંગે મંત્રાલયો સાથે ચર્ચા કરી રહી છે. ET એ અગાઉ અહેવાલ આપ્યો હતો કે નાણા મંત્રાલય છેલ્લા કેટલાક મહિનાઓથી આ મુદ્દા પર RBI સાથે સલાહ-સૂચન કરી રહ્યું છે, પરંતુ દરખાસ્ત હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવી નથી.
માર્ચ ૨૦૨૫ ના ડેટા અનુસાર, દેશની ૧૨ જાહેર ક્ષેત્રની બેંકોની સંયુક્ત સંપત્તિ આશરે રૂ.૧૭૧ લાખ કરોડ છે. આ દેશના બેંકિંગ ક્ષેત્રનો આશરે ૫૫% હિસ્સો દર્શાવે છે. સરકાર આ બેંકોમાં ૫૧% હિસ્સો જાળવી રાખવાનો ઇરાદો ધરાવે છે, જોકે હાલમાં તે ઘણો મોટો હિસ્સો ધરાવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે બજેટ રજૂ કરતી વખતે બેંકિંગ ક્ષેત્ર માટે એક મોટી જાહેરાત કરી હતી.
સીતારમણે જાહેરાત કરી હતી કે દેશના બેંકિંગ ક્ષેત્રની વ્યાપક સમીક્ષા કરવા અને નવી સુધારા-આધારિત વળદ્ધિ યોજના ઘડવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. આનો ઉદ્દેશ્ય વિકસિત ભારતના વિઝનને અનુરૂપ ભવિષ્ય માટે ભારતીય બેંકોને તૈયાર કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય બેંકો આજે સારી સ્થિતિમાં છે. તેમનો નફો અને વૈશ્વિક પહોંચ વધી છે. આ ક્ષેત્રને હવે વધુ વિકસિત કરવાની જરૂર છે, અને આ પ્રાપ્ત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
સંપત્તિની દ્રષ્ટિએ બે ભારતીય બેંકો વિશ્વની ટોચની ૧૦ બેંકોમાં શામેલ છે. આમાં SBI અને HDFCનો સમાવેશ થાય છે. SBI ની કુલ સંપત્તિ $૦.૯ ટ્રિલિયન છે, જ્યારે HDFC બેંક પાસે $૦.૫ ટ્રિલિયન છે. આ યાદીમાં ટોચની ચાર બેંકો ચીની છેઃ ICBC $૬.૭ ટ્રિલિયન સાથે પ્રથમ ક્રમે છે, ત્યારબાદ એગ્રીકલ્ચરલ બેંક ઓફ ચાઇના ($૫.૯ ટ્રિલિયન), ચાઇના કન્સ્ટ્રક્શન બેંક ($૫.૬ ટ્રિલિયન) અને બેંક ઓફ ચાઇના ($૪.૮ ટ્રિલિયન) આવે છે
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
