<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

બાંગ્લાદેશમાં શેખ હસીનાને મોટો ઝટકો: ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે ફટકારી 10 વર્ષની જેલની સજા

જમીન ફાળવણી કૌભાંડમાં પદભ્રષ્ટ વડાપ્રધાન દોષિત; ભત્રીજા અને ભત્રીજીઓને પણ કેદ અને દંડનો આદેશ

ઢાકા, તા. 02: બાંગ્લાદેશના રાજકારણમાં આજે ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. ઢાકાની સ્પેશિયલ કોર્ટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભ્રષ્ટાચારના બે અલગ-અલગ કેસમાં કુલ 10 વર્ષની જેલની સજા ફટકારી છે. 'રાજુક ન્યૂ ટાઉન પ્રોજેક્ટ' હેઠળ પ્લોટની ફાળવણીમાં સત્તાનો દુરુપયોગ અને ગેરરીતિઓ બદલ કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે.

ન્યાયાધીશ રબીઉલ આલમે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, શેખ હસીનાએ પૂર્વાચોલમાં જમીન ફાળવણીની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન કરી પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. આ કેસમાં માત્ર હસીના જ નહીં, પરંતુ તેમના પરિવારના સભ્યોને પણ સજા કરવામાં આવી છે. તેમની ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીકને 4 વર્ષ અને ભત્રીજા રદવાન મુજીબ સિદ્દીક તેમજ આઝમીના સિદ્દીકને 7-7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

શું હતો સમગ્ર કેસ?

  • સત્તાનો દુરુપયોગ: એન્ટી કરપ્શન કમિશન (ACC) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ મુજબ, હસીના સરકારે રાજધાની ઉન્નયન કર્તાપક્ષ (રાજુક) ના નિયમોને નેવે મૂકીને માનીતાઓને 10 કાઠાના પ્લોટની લહાણી કરી હતી.
  • ભાગેડુ જાહેર: શેખ હસીના ગત 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશમાં થયેલા ભારે વિરોધ પ્રદર્શનો બાદ દેશ છોડીને ભારત આવી ગયા હતા. કોર્ટે તેમને પહેલેથી જ ભાગેડુ જાહેર કર્યા છે અને તેમની ગેરહાજરીમાં આ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.
  • નાણાકીય દંડ: સજાની સાથે તમામ દોષિતોને ₹1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જે ન ભરે તો વધારાની 6 મહિનાની જેલ ભોગવવી પડશે.

બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ શેખ હસીના સામે અનેક કેસો નોંધાયા છે, પરંતુ ભ્રષ્ટાચારના કેસમાં મળેલી આ પ્રથમ મોટી સજા છે. હાલમાં શેખ હસીના ભારતમાં શરણ લઈ રહ્યા છે, ત્યારે આ ચુકાદા બાદ બાંગ્લાદેશ સરકાર તેમના પ્રત્યાર્પણ (Extradition) માટે ભારત પર દબાણ વધારી શકે છે.

(5:01 PM IST)