<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

મિશન વોશિંગ્ટન: ટેરિફ અને રશિયન ઓઈલના તણાવ વચ્ચે જયશંકર અમેરિકા રવાના

ટ્રમ્પ વહીવટીતંત્રના ‘કડક’ વલણ વચ્ચે ભારતની મોટી મુત્સદ્દીગીરી; ખનિજ પુરવઠા અને દ્વિપક્ષીય સંબંધો પર થશે આરપારની ચર્ચા

નવી દિલ્હી, તા. 02: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહેલી ઠંડક અને 'ટેરિફ વોર' (Tariff War) ની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકર આજે ત્રણ દિવસની મહત્વપૂર્ણ મુલાકાતે અમેરિકા રવાના થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ફરી સત્તામાં આવ્યા બાદ ભારતીય માલસામાન પર ટેરિફમાં કરાયેલા તોતિંગ વધારા બાદ આ મુલાકાત રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવી રહી છે.

જયશંકર વોશિંગ્ટનમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો દ્વારા આયોજિત 'ક્રિટિકલ મિનરલ્સ મંત્રીસ્તરીય બેઠક' માં ભાગ લેશે. આ બેઠક મુખ્યત્વે ક્લીન એનર્જી અને વ્યૂહાત્મક ખનિજ પુરવઠા શૃંખલા (Supply Chain) ને મજબૂત કરવા પર કેન્દ્રિત છે, પરંતુ પડદા પાછળનો મુખ્ય એજન્ડા બંને દેશો વચ્ચે સર્જાયેલા તણાવને ઓછો કરવાનો રહેશે.

કેમ તણાવમાં છે ભારત-અમેરિકાના સંબંધો?

  1. ટેરિફનો માર: ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતીય સામાન પર ટેરિફ બમણી કરીને 50% સુધી કરી દેવામાં આવી છે.
  2. રશિયન ઓઈલનો વિવાદ: ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખતા અમેરિકાએ તેના પર 25% વધારાની ડ્યુટી લાદી દીધી છે.
  3. ઈમિગ્રેશન અને અન્ય મુદ્દા: વોશિંગ્ટનની નવી કડક ઈમિગ્રેશન નીતિ અને દ્વિપક્ષીય સુરક્ષા મામલે પણ બંને દેશો વચ્ચે મંતભેદ જોવા મળી રહ્યા છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જયશંકર ટ્રમ્પ વહીવટીતંત્રના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાતનો હેતુ માત્ર ખનિજ સહયોગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભારત સામેના આર્થિક પડકારોને હળવા કરવા અને અમેરિકા સાથેના 'વ્યૂહાત્મક ભાગીદારી' ના પાટા પર ફરીથી ગાડી લાવવાનો છે. હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે જયશંકરની આ મુલાકાત ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ' અભિગમ વચ્ચે ભારત માટે કેટલું હકારાત્મક પરિણામ લાવે છે.

(5:02 PM IST)