<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

બિહારમાં હૃદયદ્રાવક ઘટના: સાસારામ બજારમાં બિનવારસી સૂટકેસમાંથી મળી પરિણીત મહિલાની લાશ

લગ્નેતર સંબંધોનો વિરોધ કરતાં પતિએ જ પત્નીને પતાવી દીધી? યુપીની 25 વર્ષીય મેહરુન ખાતૂનની હત્યાથી સનસનાટી

સાસારામ (બિહાર): બિહારના રોહતાસ જિલ્લાના વ્યસ્ત એવા સાસારામ મંડી બજારમાં શનિવારે એક એવી ઘટના બની જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. બજારની પાછળના ભાગમાં પડેલી એક શંકાસ્પદ અને બિનવારસી સૂટકેસમાંથી 25 વર્ષીય પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.

સ્થાનિક લોકોએ બિનવારસી સૂટકેસ જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જ્યારે સૂટકેસ ખોલી ત્યારે અંદર મહિલાનો મૃતદેહ ઠાંસી-ઠાંસીને ભરેલો હતો. ફોરેન્સિક ટીમ (FSL) ની મદદથી તપાસ કરતા મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાની વતની મેહરુન ખાતૂન તરીકે થઈ છે.

હત્યા પાછળનું કારણ અને શંકાની સોય

પોલીસની પ્રાથમિક તપાસમાં શંકાની સોય મૃતકના પતિ કયામુદ્દીન તરફ છે, જે વ્યવસાએ ઇલેક્ટ્રિશિયન છે. મેહરુનની માતાએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, કયામુદ્દીનને કોઈ સંબંધી સાથે ગેરકાયદેસર સંબંધો હતા. મેહરુન આ સંબંધોનો વિરોધ કરતી હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ જ અદાવતમાં પતિએ તેની હત્યા કરી લાશને સૂટકેસમાં ભરી ફેંકી દીધી હોવાની આશંકા છે.

પોલીસની કાર્યવાહી

  • પતિ ફરાર: શુક્રવારે રાત્રે પતિએ પરિવારને જાણ કરી હતી કે મેહરુન ગુમ થઈ છે, પરંતુ બીજા જ દિવસે તેનો મૃતદેહ મળી આવતા પતિ ફરાર થઈ ગયો છે.
  • પોસ્ટમોર્ટમ: મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.
  • પુત્રની હાલત: આ દંપતીને અઢી વર્ષનો એક માસૂમ પુત્ર છે, જેણે માતાની છત્રછાયા ગુમાવી છે.

પોલીસે આરોપી પતિને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સાસારામના વ્યસ્ત માર્કેટ પાસે બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે.

(5:18 PM IST)