<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

F&O ટ્રેડર્સ સાવધાન! સટ્ટાખોરી રોકવા STT માં તોતિંગ વધારો; CEA નાગેશ્વરને કહ્યું- 'આવક નહીં, તમારી બચત બચાવવી છે'

બજેટ 2026 માં ડેરિવેટિવ્ઝ પર ટેક્સનો ઝટકો; મહેનતની કમાણી જુગારમાં ન વેડફાય તે માટે સરકારનું 'કોર્સ કરેક્શન'

નવી દિલ્હી, તા. 02: કેન્દ્રીય બજેટ 2026-27 માં શેરબજારના ડેરિવેટિવ્ઝ (F&O) સેગમેન્ટ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં કરાયેલા વધારાને લઈને ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દે સ્પષ્ટતા કરતા દેશના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરને જણાવ્યું છે કે, સરકારનો હેતુ ટેક્સ વસૂલીને તિજોરી ભરવાનો નથી, પરંતુ સામાન્ય લોકોની મહેનતની કમાણીને સટ્ટાકીય જોખમોથી બચાવવાનો છે.

નાગેશ્વરને પત્રકારો સાથેની વાતચીતમાં SEBI ના ડેટાનો હવાલો આપતા કહ્યું કે, મોટાભાગના છૂટક રોકાણકારો ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ભારે નુકસાન કરી રહ્યા છે. "અમે ઈચ્છીએ છીએ કે ઘરગથ્થુ બચતનો ઉપયોગ સટ્ટાખોરીને બદલે લાંબા ગાળાની સંપત્તિ વધારવા માટે થાય," તેમ તેમણે ઉમેર્યું હતું.

ટેક્સમાં કેટલો વધારો થયો? (નવા દરો):

નાણામંત્રી નિર્મલા સીતારમણે સૂચવેલા ફેરફારો મુજબ હવે ટ્રેડિંગ કરવું મોંઘું પડશે:

  • ફ્યુચર્સ (Futures): 0.02% થી વધીને હવે 0.05% થયો.
  • ઓપ્શન્સ (Options): ઓપ્શન્સ પ્રીમિયમ પરનો ટેક્સ 0.1% થી વધારીને 0.15% અને એક્સરસાઇઝ પર 0.125% કરવાનો પ્રસ્તાવ છે.

ભારે સટ્ટાબાજી પર લગામ

મહેસૂલ સચિવ અરવિંદ શ્રીવાસ્તવે પણ આ નિર્ણયને ટેકો આપતા કહ્યું કે, ભારતનું F&O માર્કેટ જીડીપીના કદની તુલનામાં અતિશય વધી ગયું છે, જે પ્રણાલીગત જોખમ (Systemic Risk) પેદા કરી શકે છે. આ ટેક્સ વધારાથી વારંવાર ખરીદ-વેચાણ કરનારા અને ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે ટ્રાન્ઝેક્શન કોસ્ટ વધી જશે, જેનાથી બજારમાં બિનજરૂરી વોલેટિલિટી ઘટવાની અપેક્ષા છે.

બજેટમાં આ જાહેરાત બાદ શેરબજારમાં બ્રોકરેજ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજારના નિષ્ણાતો માને છે કે આ પગલું નાના રોકાણકારોને શેરબજારમાં 'જુગાર' રમતા અટકાવીને સુરક્ષિત રોકાણ તરફ વાળવામાં મદદરૂપ થશે.

 

(5:18 PM IST)