<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

બુલિયન માર્કેટમાં 'બ્લેક મન્ડે': સોના-ચાંદીમાં ઐતિહાસિક કડાકો: ૩ દિવસમાં ૧૦ ટ્રિલિયન ડોલરનું ધોવાણ: ન્યુઝ ફર્સ્ટ

મુંબઈ: ભારતીય બુલિયન માર્કેટ અને એમસીએક્સ  પર આજે સોમવારે રોકાણકારો માટે લોહિયાળ દિવસ સાબિત થયો છે. બજેટ ૨૦૨૬ પછીની અસરો અને વૈશ્વિક સંકેતોને કારણે કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી જોવા મળી છે. 

બપોર સુધીના મળતા અહેવાલો મુજબ, એમસીએક્સ પર આજે ચાંદીમાં ૧૫ ટકાનો તોતિંગ કડાકો બોલી ગયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ ૫ ટકાનું ગાબડું પડ્યું છે. આ ઘટાડો એટલો તીવ્ર છે કે રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

માર્કેટના આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા માત્ર ૩ ટ્રેડિંગ સેશનમાં સોના અને ચાંદીના માર્કેટ કેપમાંથી સંયુક્ત રીતે ૧૦ ટ્રિલિયન (૧૦ લાખ કરોડ) અમેરિકન ડોલરથી વધુનું જંગી ધોવાણ થયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વના ચેરમેન તરીકે કેવિન વોશની નિમણૂક કર્યા બાદ ડોલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતી અને વ્યાજદરોમાં કપાતની આશાઓ પર પાણી ફરી વળતા આ કડાકો બોલ્યો હોવાનું મનાય છે. 

ચાંદી તેના સર્વોચ્ચ શિખર પરથી ૪૦ ટકા જેટલી તૂટી ગઈ છે, જે તાજેતરના વર્ષોનો સૌથી મોટો ઘટાડો છે. સોનાના ભાવમાં પણ પ્રતિ ૧૦ ગ્રામે હજારો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, ગ્લોબલ માર્કેટમાં આવેલી મંદી અને પ્રોફિટ બુકિંગના કારણે કિંમતી ધાતુઓની ચમક હાલ પૂરતી ફિક્કી પડી ગઈ છે.

બજારમાં 'મેલ્ટિંગ શાઈન' જેવી સ્થિતિ સર્જાતા નાના રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

(6:48 PM IST)