<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

વિદેશથી શોપિંગ કરનારાઓ માટે લોટરી: હવે ₹75,000 સુધીનો સામાન લાવી શકાશે ડ્યુટી-ફ્રી

સરકારે 10 વર્ષ જૂના નિયમો બદલ્યા; સોનાના દાગીના લાવવાની મર્યાદામાં પણ મોટો ફેરફાર, આજ મધ્યરાત્રિથી નવા નિયમો લાગુ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને વિદેશમાં રહેતા ભારતીયો માટે ભારત સરકારે બજેટ બાદ વધુ એક મોટી ભેટ આપી છે. હવે તમે વિદેશ પ્રવાસથી પરત ફરતી વખતે તમારી સાથે વધુ કિંમતી સામાન કોઈપણ કસ્ટમ ડ્યુટી વગર લાવી શકશો. સરકારે 'બેગેજ નિયમો, 2026' જાહેર કરીને ડ્યુટી-ફ્રી આયાત મર્યાદામાં ધરખમ વધારો કર્યો છે, જે આજે એટલે કે 2 ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી અમલમાં આવી ગયો છે.

નવા નિયમો મુજબ શું ફેરફાર થયા?

અત્યાર સુધી ભારતીય મૂળના પ્રવાસીઓ વિદેશથી ₹50,000 સુધીની કિંમતનો સામાન ડ્યુટી વગર લાવી શકતા હતા, જે મર્યાદા હવે વધારીને ₹75,000 કરી દેવામાં આવી છે. આ નિયમ હવાઈ અને સમુદ્રી માર્ગે આવતા મુસાફરો પર લાગુ થશે. બીજી તરફ, વિદેશી મૂળના પ્રવાસીઓ માટે આ મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 કરવામાં આવી છે.

સોનાના દાગીના માટેના ખાસ નિયમો:

જે ભારતીયો એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહી રહ્યા છે, તેમના માટે સોનાના ઘરેણાં લાવવાના નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે:

  • મહિલા મુસાફરો: હવે પોતાની સાથે 40 ગ્રામ સુધીના સોનાના દાગીના ડ્યુટી ચૂકવ્યા વિના લાવી શકશે.
  • પુરુષ મુસાફરો: પુરુષો માટે આ મર્યાદા 20 ગ્રામ નક્કી કરવામાં આવી છે.
  • આ ઘરેણાં વ્યક્તિગત શણગારના ભાગ રૂપે અને કિંમતી ધાતુઓ (સોનું, ચાંદી, પ્લેટિનમ) થી બનેલા હોવા જોઈએ.

 

.

સરકારના આ પગલાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસન અને શોપિંગને વેગ મળશે તેમજ એરપોર્ટ પર કસ્ટમ ક્લિયરન્સની પ્રક્રિયા વધુ સરળ બનશે. દાયકા જૂના નિયમોમાં આ ફેરફાર આજના બદલાતા વપરાશ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે

(7:20 PM IST)