<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

“ટ્રમ્પને બ્રીફકેસ બતાવી શકશો, પણ ખનીજ નહીં!”: બલૂચ નેતાનો પાકિસ્તાની આર્મી ચીફને સીધો પડકાર

બલૂચિસ્તાનમાં આઝાદીનો જંગ હવે લોહિયાળ યુદ્ધમાં ફેરવાયો: આર્મી ચીફ અસીમ મુનીર અને શાહબાઝ સરકારના રોકાણના સપનાઓ પર બલૂચ લિબરેશન આર્મીએ ફેરવ્યું પાણી

ક્વેટા:  બલૂચિસ્તાનની ધરતી પર પાકિસ્તાની સેના સામેનો વિદ્રોહ હવે એક ભયંકર અને નિર્ણાયક યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. બલૂચ નેશનલ મૂવમેન્ટના નેતા હકીમ બલોચે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, ભલે તેઓ અમેરિકા જઈને ડોનાલ્ડ ટ્રમ્પને બલૂચિસ્તાનના દુર્લભ ખનીજો ભરેલા બ્રીફકેસ બતાવીને રોકાણની ભીખ માંગે, પરંતુ બલૂચ લડવૈયાઓની પરવાનગી વિના આ ધરતી પરથી એક પથ્થર પણ ખસેડવો અશક્ય છે. બલોચે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે બલૂચિસ્તાનના પહાડો અને ખીણો હવે પાકિસ્તાની સૈનિકો માટે કબર સમાન બની ગયા છે.

તાજેતરમાં ચલાવવામાં આવેલા 'ઓપરેશન હેરોફ-2' એ પાકિસ્તાની સત્તાના પાયા હચમચાવી નાખ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હકીમ બલોચના જણાવ્યા અનુસાર, આ ભીષણ હુમલાઓમાં પાકિસ્તાની સેના અને પોલીસના 220 થી વધુ જવાનો માર્યા ગયા છે, જ્યારે બીજી તરફ બલૂચ લિબરેશન આર્મી (BLA) ના જાંબાઝ લડવૈયાઓ અને માજીદ બ્રિગેડના આત્મઘાતી હુમલાખોરોએ પણ બલિદાન આપ્યા છે. ચોંકાવનારો દાવો એ પણ છે કે નુશ્કી જેવા મહત્વના શહેરો અને લશ્કરી છાવણીઓ પર હજુ પણ બળવાખોરોનો કબજો છે, અને પંજગુરથી લઈને ગ્વાદર સુધીના વિસ્તારોમાં પાકિસ્તાની સેના અને બલૂચ આઝાદીના લડવૈયાઓ વચ્ચે સામસામે ગોળીબાર ચાલુ છે.

સૌથી ગંભીર બાબત એ છે કે હવે આ જંગમાં બલૂચ મહિલાઓએ પણ શસ્ત્રો ઉપાડી લીધા છે. હવા બલોચ અને આસિફા મેંગલ જેવી મહિલા બળવાખોરોની સક્રિયતા એ વાતનો પુરાવો છે કે પાકિસ્તાની સેનાના અત્યાચારે હવે મર્યાદા વટાવી દીધી છે. હકીમ બલોચે આંતરરાષ્ટ્રીય સમુદાયને સંદેશ આપતા કહ્યું કે, જ્યારે ઘરની માતાઓ અને બહેનો મોરચા પર લડવા મજબૂર બને, ત્યારે સમજવું કે જુલમ ચરમસીમાએ છે. બલૂચ લોકો હવે કોઈપણ કિંમતે પાકિસ્તાન સાથે રહેવા તૈયાર નથી અને આ લડાઈ હવે માત્ર સ્વાયત્તતા માટે નહીં, પણ સંપૂર્ણ સ્વતંત્રતા અને પાકિસ્તાની સેનાના બલૂચિસ્તાનમાંથી બહાર નીકળવા સુધી ચાલુ રહેશે.

(7:27 PM IST)