હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન 'ગ્રાઉન્ડેડ' : એન્જિન સ્ટાર્ટ કરતી વખતે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ આપમેળે 'રન' માંથી 'કટઓફ' મોડમાં આવી જતાં ખળભળાટ
લંડન ના હિથ્રોથી બેંગલુરુ જતી ફ્લાઈટમાં ખામી સર્જાતા DGCA ને જાણ કરાઈ : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પણ આ જ ફ્યુઅલ સ્વીચ કારણભૂત હોવાનું તપાસમાં ખુલ્યું હતું

નવી દિલ્હી : એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. એરલાઇનના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર, હિથ્રોથી બેંગલુરુ જઈ રહેલી ફ્લાઈટ AI 132 ના એન્જિન સ્ટાર્ટઅપ પ્રક્રિયા દરમિયાન વિમાનની ડાબી બાજુની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બે વાર 'રન' પોઝિશનમાં ટકી શકવાને બદલે આપમેળે 'કટઓફ' પોઝિશન પર આવી ગઈ હતી. આ ગંભીર બાબત પાઈલટ દ્વારા રિપોર્ટ કરવામાં આવતા સુરક્ષાના કારણોસર વિમાનની ઉડાન અટકાવી દેવામાં આવી છે.
સુરક્ષાના પગલે તપાસ તેજ
એર ઇન્ડિયાએ આ મામલે સિવિલ એવિએશન રેગ્યુલેટર DGCA ને વિગતવાર જાણ કરી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાઈલટની ચિંતાને ધ્યાને રાખીને વિમાનને તપાસ હેઠળ મૂકવામાં આવ્યું છે અને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) ને પ્રાથમિકતાના ધોરણે આ ખામી તપાસવા માટે સામેલ કરવામાં આવ્યા છે. અગાઉ DGCA ના નિર્દેશ બાદ એર ઇન્ડિયાએ તેના તમામ બોઇંગ 787 વિમાનોની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો ચેક કરી હતી, જેમાં ત્યારે કોઈ સમસ્યા જણાઈ ન હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે કનેક્શન
ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2025 માં અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા ડ્રીમલાઇનર અકસ્માતની તપાસમાં પણ આ જ સ્વીચ કેન્દ્રસ્થાને હતી. તે દુર્ઘટનામાં 260 લોકોના મોત નિપજ્યા હતા. તપાસના પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે ટેકઓફની થોડી જ સેકન્ડો બાદ એન્જિનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો બંધ થઈ ગઈ હતી, જેના કારણે એન્જિનને ઈંધણ મળતું બંધ થઈ ગયું હતું. અમદાવાદ અકસ્માત વખતે પણ ફ્લાઈટ રેકોર્ડરમાં જોવા મળ્યું હતું કે બંને એન્જિનની સ્વીચો એક સેકન્ડના અંતરે 'રન' માંથી 'કટઓફ' મોડમાં ગઈ હતી. કોકપિટ વોઈસ રેકોર્ડરમાં એક પાઈલટ બીજાને પૂછતા સંભળાયા હતા કે તેણે ઈંધણ કેમ કાપી નાખ્યું, જેના જવાબમાં બીજા પાઈલટે પોતે તે કર્યું હોવાનો ઈન્કાર કર્યો હતો.
શું છે આ ફ્યુઅલ સ્વીચ અને તેનું મહત્વ?
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો વિમાનના એન્જિનમાં ઈંધણના પ્રવાહને નિયંત્રિત કરે છે. પાઈલટ તેનો ઉપયોગ ગ્રાઉન્ડ પર એન્જિન શરૂ કરવા કે બંધ કરવા અથવા ઉડાન દરમિયાન એન્જિન ફેલ્યોરના કિસ્સામાં મેન્યુઅલી રિસ્ટાર્ટ કરવા માટે કરે છે. નિષ્ણાતોના મતે, આ સ્વીચો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હોય છે કે પાઈલટ ભૂલથી પણ તેને ખસેડી શકે નહીં. તેને 'રન' માંથી 'કટઓફ' કરવા માટે પાઈલટે પહેલા સ્વીચને ઉપરની તરફ ખેંચવી પડે છે અને પછી જ તે મુવ થઈ શકે છે. જો ઉડાન દરમિયાન આ સ્વીચ બદલાય તો તેની અસર તત્કાલ થાય છે અને એન્જિન પાવર ગુમાવે છે.
એર ઇન્ડિયાએ ભારપૂર્વક જણાવ્યું છે કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, જેના કારણે આ ટેકનિકલ ખામી સામે આવતા જ વિમાનને સેવામાંથી હટાવી લેવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
