<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ગોરખપુરમાં રાજન જી મહારાજ લાલઘૂમ: વ્યાસપીઠ પરથી લલકાર્યા- 'કોની માએ દૂધ પીધું છે, ગોળી મારીને બતાવો'

રામકથામાં દબંગાઈ કરનારા તત્વોને કથાવાચકે પાઠ ભણાવ્યો; ટીમ મેમ્બરને ધમકી મળતા રાજન જી મહારાજે મંચ પરથી જ આપી ખુલ્લી ચેલેન્જ

ગોરખપુર :ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચાલી રહેલી ભવ્ય રામકથામાં અત્યારે એક અણધારી ઘટનાને કારણે વાતાવરણ ગરમાયું છે. જાણીતા કથાવાચક રાજન જી મહારાજ, જેઓ પોતાની શાંત અને મધુર વાણી માટે જાણીતા છે, તેઓ વ્યાસપીઠ પર બેસીને અત્યંત ગુસ્સામાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ગુંડાતત્વોને ખુલ્લેઆમ લલકારી રહ્યા છે.
આ ઘટના ગોરખપુરના ચંપા દેવી પાર્કની છે. અહેવાલ મુજબ, કથા દરમિયાન કેટલાક લોકોએ મંચ પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે રાજન જી મહારાજની ટીમના સભ્યોએ તેમને રોક્યા, ત્યારે તે શખ્સોએ દબંગાઈ બતાવી હતી અને ટીમ મેમ્બરને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. આ વાતની જાણ થતા જ મહારાજ બિફર્યા હતા.
વ્યાસપીઠ પરથી માઇક હાથમાં લઈને રાજન જી મહારાજે લલકાર્યું, "કોણે માનું દૂધ પીધું છે, ગોળી મારીને બતાવો. વ્યાસપીઠ પરથી લલકારી રહ્યો છું, જે આવવું હોય તે સામે આવો." તેમણે વધુમાં ઉમેર્યું કે, કથાના પવિત્ર મંચ પર આવી દબંગાઈ ચલાવી લેવામાં આવશે નહીં. હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહારાજનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને સભામાં સોપો પડી ગયો હતો.
આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ લોકો બે પક્ષમાં વહેંચાઈ ગયા છે. ઘણા લોકો મહારાજના આ સાહસિક વલણના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ધર્મના કામમાં અડચણ ઊભી કરનારાઓને આવા જ પાઠ ભણાવવા જોઈએ. બીજી તરફ, કેટલાક લોકો વ્યાસપીઠની મર્યાદા જળવાય રહેવી જોઈએ તેવી ચર્ચા કરી રહ્યા છે.
ગોરખપુર પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે કે કથામાં ધમકી આપનારા તે શખ્સો કોણ હતા. આ કથામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, જેને પગલે હવે સુરક્ષા વ્યવસ્થા પણ વધુ કડક કરી દેવામાં આવી છે

(8:39 PM IST)