<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

સરકારી નોકરી ઠુકરાવી ધર્મના પંથે: પૂર્વ મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રી પહોંચ્યા શંકરાચાર્યના શરણે

બરેલીના પૂર્વ સીટી મેજિસ્ટ્રેટ વારાણસી વિદ્યા મઠમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મળ્યા; રાજીનામા બાદ હવે દેશવ્યાપી આંદોલન છેડવાની તૈયારી

વારાણસી:ઉત્તર પ્રદેશના બરેલીમાં સીટી મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા PCS અધિકારી અલંકાર અગ્નિહોત્રીએ તાજેતરમાં પોતાના પદ પરથી રાજીનામું આપીને સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો હતો. શનિવારે તેઓ વારાણસીના વિદ્યા મઠ ખાતે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
અલંકાર અગ્નિહોત્રીએ શંકરાચાર્યના અપમાન અને UGC કાયદાના વિરોધમાં મેજિસ્ટ્રેટ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જોકે, ઉત્તર પ્રદેશ સરકારે તેમનું રાજીનામું સ્વીકારવાને બદલે તેમને શિસ્તભંગ બદલ સસ્પેન્ડ (નિલંબિત) કરી દીધા હતા. શંકરાચાર્યએ અગ્નિહોત્રીના આ સાહસિક નિર્ણયની પ્રશંસા કરતા અગાઉ ફોન પર વાત કરી હતી અને તેમને ધર્મ ક્ષેત્રમાં તેમની લાયકાત મુજબ મોટું પદ આપવાની ખાતરી આપી હતી.
વારાણસીમાં વિદ્યા મઠની મુલાકાત દરમિયાન અલંકાર અગ્નિહોત્રી એક નિષ્ઠાવાન ભક્તની જેમ શંકરાચાર્ય સમક્ષ હાથ જોડીને ઉભા રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે:
 તેઓ ટૂંક સમયમાં જ આ મુદ્દે સમગ્ર દેશમાં આંદોલન શરૂ કરશે.
 તેમણે કેન્દ્ર સરકારના ઉચ્ચ પદાધિકારીઓ પાસે રાજીનામાની માંગ કરી છે.
આગામી ૭ ફેબ્રુઆરીથી તેઓ 'દિલ્હી કૂચ' કરીને પોતાના વિરોધને વધુ તેજ બનાવશે.
અલંકાર અગ્નિહોત્રીના આ પગલાને કારણે હવે યુપીમાં વહીવટી અધિકારીઓ અને ધાર્મિક સંગઠનો વચ્ચે એક નવો સંઘર્ષ જોવા મળી શકે છે. એક તરફ તેઓ યોગી સરકારની કામગીરીના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારની નીતિઓ સામે શિંગડા ભેરવી રહ્યા છે.

(8:41 PM IST)