<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

પાકિસ્તાનનો પેંતરો: ભારત સામે રમવાની ના પાડી, સાંસદ પપ્પુ યાદવે સંભળાવી દીધું- 'આંખો બતાવવાની તમારી ઓકાત નથી'

વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ પર સંકટ; પાકિસ્તાને હારના ડરથી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો? પપ્પુ યાદવ અને કીર્તિ આઝાદે પાડોશી દેશની ઝાટકણી કાઢી

નવી દિલ્હી: ક્રિકેટ જગતના સૌથી મોટા જંગ એટલે કે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચને લઈને અત્યારે ભારે વિવાદ સર્જાયો છે. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાને ભારત સામે રમવાનો ઈનકાર કરી દીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આ નિર્ણયથી ભારતીય રાજકારણીઓ અને ક્રિકેટ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે પાકિસ્તાનને તેની અસલી સ્થિતિ યાદ અપાવતા આકરા પ્રહારો કર્યા છે.
પપ્પુ યાદવે રોકડું પરખાવતા કહ્યું કે, "ભારતને આંખો બતાવવા માટે પાકિસ્તાનની શું હસિયત છે? ભારત ક્રિકેટની દુનિયાનો અસલી ચેમ્પિયન છે. જો ભારતીય ક્રિકેટને બહાર કરવામાં આવે તો આ રમતનો કોઈ અર્થ જ નહીં રહે." તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાને રમતમાં ગંદુ રાજકારણ ન લાવવું જોઈએ.
માજી ક્રિકેટર અને TMC સાંસદ કીર્તિ આઝાદે પાકિસ્તાનના આ પગલાને તેમની નબળાઈ ગણાવી છે. તેમણે કહ્યું, "પાકિસ્તાન સારી રીતે જાણે છે કે તે મેદાન પર ભારત સામે જીતી શકશે નહીં, એટલે જ હારની શરમથી બચવા માટે તેઓ મેચ રમવાનો જ ઈનકાર કરી રહ્યા છે." બીજી તરફ સહારનપુરના સાંસદ ઈમરાન મસૂદે પણ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાન જેવા દેશ સાથે આપણે કોઈ સંબંધ જ ન રાખવો જોઈએ, તે નર્કમાં જાય તો પણ આપણને કોઈ ફરક પડવો જોઈએ નહીં.
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને જાહેરાત કરી છે કે તેઓ ટૂર્નામેન્ટ તો રમશે, પરંતુ ભારત સામેની ગ્રુપ સ્ટેજની મેચનો બહિષ્કાર કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે તેઓ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે નહીં ઉતરે.
આ નિર્ણય પાછળ પાકિસ્તાન ભારત દ્વારા તેમની ધરતી પર ન રમવાના જૂના વિવાદનો બદલો લેવા માંગતું હોવાનું મનાય છે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ મામલે શું એક્શન લેશે તેના પર હવે આખી દુનિયાની નજર છે. શું પાકિસ્તાન પર પ્રતિબંધ લાગશે કે પછી મેચના પોઈન્ટ્સ સીધા ભારતને મળી જશે? તે જોવાનું રસપ્રદ રહેશે

(8:42 PM IST)