<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

પાકિસ્તાની સેના સામે બલૂચ ‘બ્રિગેડ’નો ખતરનાક પડકાર: મહિલા આત્મઘાતી બોમ્બરોએ મચાવ્યો હાહાકાર

‘ઓપરેશન હેરોફ’ થી હચમચી ગયું પાકિસ્તાન; હુમલાઓમાં 33 ના મોત અને 92 બળવાખોરો ઠાર, સુરક્ષા એજન્સીઓ માટે સ્ત્રી આત્મઘાતીઓ બની નવો માથાનો દુખાવો

ઇસ્લામાબાદ :પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં આતંકનો એક નવો અને અત્યંત ઘાતક ચહેરો સામે આવ્યો છે. તાજેતરમાં થયેલા ભીષણ આત્મઘાતી હુમલાઓએ પાકિસ્તાની સેનાની ઊંઘ ઉડાવી દીધી છે. આ હુમલાઓની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેમાં બલૂચ મહિલા આત્મઘાતી બોમ્બરો (Female Suicide Bombers) મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ આતંકી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 15 સુરક્ષા કર્મચારીઓ અને 18 નાગરિકો સહિત કુલ 33 લોકોના મોત નિપજ્યા છે.
 બલૂચ બળવાખોરોએ આ વખતે માત્ર સેના જ નહીં, પરંતુ ઉચ્ચ સુરક્ષા ધરાવતી જેલો, પોલીસ સ્ટેશન અને અર્ધલશ્કરી મથકોને પણ નિશાન બનાવ્યા છે. પાકિસ્તાની સેનાના અહેવાલ મુજબ, વળતી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 92 બળવાખોરોને ઠાર કરવામાં આવ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ની 'મજીદ બ્રિગેડ' હવે મહિલાઓને હથિયાર બનાવીને પાકિસ્તાની સંસ્થાઓ પર હુમલો કરવાની રણનીતિ અપનાવી રહી છે, જે સુરક્ષા દળો માટે ઓળખવી અત્યંત મુશ્કેલ બની રહી છે.
નિષ્ણાતો માને છે કે બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતા માનવાધિકાર ઉલ્લંઘન અને લાપતા થયેલા પુરુષોના રોષને કારણે મહિલાઓ હવે હથિયાર ઉઠાવી રહી છે. પરંપરાગત રીતે શાંત રહેતી બલૂચ મહિલાઓ હવે આત્મઘાતી બોમ્બર તરીકે લશ્કરમાં જોડાઈ રહી છે, જે પાકિસ્તાની સુરક્ષા તંત્ર માટે સૌથી મોટો સુરક્ષા ભંગ સાબિત થઈ રહ્યો છે.
આ હુમલાઓ બાદ સમગ્ર પાકિસ્તાનમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ સાથે જોડાયેલા વિસ્તારોમાં સુરક્ષા લોખંડી કરી દેવાઈ છે. જોકે, મહિલા આત્મઘાતીઓના વધતા પ્રવેશને કારણે સુરક્ષા એજન્સીઓ હવે તપાસની રીતો બદલવા મજબૂર બની છે.

(9:04 PM IST)