<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ: ભારત માટે ‘ટેરિફ’ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો: બદલામાં ભારતે પણ અમેરિકા સામેના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો ઘટાડીને ‘શૂન્ય’ કરવા તરફ આગળ વધવાની તૈયારી બતાવી

રશિયાને બદલે હવે ભારત વેનેઝુએલા અને અમેરિકા પાસેથી જ ક્રૂડ ઓઈલ ખરીદશે તેવી પીએમ મોદીએ ખાત્રી આપી - ડોનાલ્ડ ટ્રમ્પ : ભારત અમેરિકા પાસેથી ૫૦૦ બિલિયન ડોલરની એનર્જી, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો ખરીદશે: વોશિંગ્ટનમાં ઈન્ડિયા ગેટ જેવો જ ભવ્ય ‘આર્ક ડી ટ્રમ્પ’ બનાવવાની રાષ્ટ્રપતિની જાહેરાત

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ ભારત અને અમેરિકાના સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. આ વાતચીત દરમિયાન વ્યાપાર, યુદ્ધ અને ક્રૂડ ઓઈલને લઈને અત્યંત મહત્વપૂર્ણ કરારો થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે પીએમ મોદી તેમના સૌથી સારા મિત્ર છે અને બંને નેતાઓ "કામ કરી બતાવનારા" (ગેટ થિંગ્સ ડન) વ્યક્તિત્વ ધરાવે છે.

ટેરિફમાં મોટો ઘટાડો અને ‘બાય અમેરિકન’ ડીલ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, અમેરિકા અને ભારત વચ્ચે એક મોટી ટ્રેડ ડીલ (વ્યાપાર સમજૂતી) નક્કી કરવામાં આવી છે. જે મુજબ, અમેરિકાએ ભારત પર લાગતા ‘રેસિપ્રોકલ ટેરિફ’ (વળતા ટેક્સ) ને ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દીધો છે. આના બદલામાં ભારતે પણ અમેરિકા સામેના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો ઘટાડીને ‘શૂન્ય’ કરવા તરફ આગળ વધવાની તૈયારી બતાવી છે.

આ ઉપરાંત, પીએમ મોદીએ ‘બાય અમેરિકન’ (અમેરિકાથી ખરીદી) ની નીતિ હેઠળ મોટા પાયે અમેરિકન વસ્તુઓ ખરીદવાની ખાતરી આપી છે. ટ્રમ્પના દાવા મુજબ, ભારત અમેરિકા પાસેથી ૫૦૦ બિલિયન ડોલર (૫૦૦ અબજ ડોલર) ના મૂલ્યની એનર્જી (ઉર્જા), ટેકનોલોજી, એગ્રીકલ્ચર (ખેતીવાડી) અને કોલસા સહિતના અન્ય ઉત્પાદનો ખરીદશે.

રશિયા અને ઈરાનનું તેલ બંધ: વેનેઝુએલાથી ખરીદી થશે
વૈશ્વિક રાજકારણમાં મોટી ઉથલપાથલ મચાવતા નિર્ણયમાં, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પીએમ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા સહમત થયા છે. યુક્રેન યુદ્ધનો અંત લાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. હવે ભારત રશિયા અને ઈરાનને બદલે અમેરિકા અને સંભવિતપણે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરશે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે ડીલ કરી લીધી છે. ભારત હવે ઈરાનથી નહીં પણ વેનેઝુએલાથી તેલ ખરીદશે."

વોશિંગ્ટનમાં બનશે ‘આર્ક ડી ટ્રમ્પ’
બંને નેતાઓ વચ્ચેની મિત્રતા દર્શાવતા એક અન્ય રસપ્રદ કિસ્સામાં, ટ્રમ્પે દિલ્હીના ‘ઈન્ડિયા ગેટ’ નો ફોટો શેર કરીને તેને ખૂબ જ સુંદર ગણાવ્યો હતો. રિપોર્ટ મુજબ, ટ્રમ્પ વોશિંગ્ટન ડી.સી. માં ઈન્ડિયા ગેટ અને પેરિસના આર્ક ડી ટ્રાયમ્ફની તર્જ પર એક વિશાળ ગેટ બનાવવા જઈ રહ્યા છે, જેનું નામ ‘આર્ક ડી ટ્રમ્પ’ હશે. ટ્રમ્પે કહ્યું હતું કે, "અમારો ગેટ આ બધા કરતા સૌથી ભવ્ય હશે."

૧૩ મહિનામાં ૭ વખત વાતચીત
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ૧૩ મહિનામાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે કુલ ૭ વખત ફોન પર વાતચીત થઈ ચૂકી છે. જેમાં ૨૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ અભિનંદન આપવા, પહેલગામ હુમલા બાદ શોક વ્યક્ત કરવા અને દિવાળીની શુભેચ્છાઓ આપવા માટેના કોલ સામેલ છે. બંને નેતાઓ વચ્ચેના આ સતત સંપર્કને કારણે જ આટલી મોટી સમજૂતીઓ શક્ય બની હોવાનું માનવામાં આવે છે.

(11:15 PM IST)