<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

શેરબજારમાં ફરી ગુંજશે LICનો ડંકો: સરકાર લાવી રહી છે મેગા FPO : રોકાણકારો માટે કમાણીની મોટી તક!

IPO બાદ હવે ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ દ્વારા સરકાર LICમાં પોતાનો 6.5% હિસ્સો વેચવાની તૈયારીમાં : મે 2027 સુધીમાં 10 ટકા પબ્લિક શેરહોલ્ડિંગનો નિયમ પૂરો કરવા મંત્રાલયો વચ્ચે મથામણ શરૂ

નવી દિલ્હી:  ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના રોકાણકારો અને શેરબજારના શોખીનો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. મે ૨૦૨૨ માં દેશનો સૌથી મોટો IPO લાવ્યા બાદ, હવે ભારત સરકાર આગામી નાણાકીય વર્ષમાં LICનો 'ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ' (FPO) લાવવાની સક્રિય યોજના બનાવી રહી છે. નાણાકીય સેવાઓ સચિવ એમ. નાગરાજુએ સંકેત આપ્યા છે કે રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ ને આ અંગેની શક્યતાઓ તપાસવા માટે કહી દેવામાં આવ્યું છે. હાલમાં સરકાર LICમાં ૯૬.૫% જેટલો જંગી હિસ્સો ધરાવે છે, જેમાંથી વધારાનો ૬.૫% હિસ્સો બજારમાં મુકીને સરકાર અબજો રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.

સેબીના નિયમો મુજબ, કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ઓછામાં ઓછું ૧૦ ટકા જાહેર શેરહોલ્ડિંગ હોવું અનિવાર્ય છે, અને LIC માટે આ સમયમર્યાદા મે ૨૦૨૭ સુધીની છે. આ કાયદાકીય જરૂરિયાતને પૂરી કરવા માટે સરકાર તબક્કાવાર રીતે પોતાનો હિસ્સો ઘટાડશે. જો બજારની સ્થિતિ સાનુકૂળ રહેશે તો આગામી નાણાકીય વર્ષમાં જ રોકાણકારોને LICના શેર ફરી એકવાર સીધા સરકાર પાસેથી ખરીદવાની તક મળશે. નોંધનીય છે કે LIC અત્યારે ₹૫.૦૮ લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવે છે, અને તેના શેરની કિંમત હાલમાં ₹૮૦૦ ની આસપાસ ટ્રેડ થઈ રહી છે, જે IPO ના સમયના ભાવની નજીક પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે.

LICની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો, કંપનીએ અત્યંત શાનદાર દેખાવ કર્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૫ ના ત્રિમાસિક ગાળામાં LICના નફામાં ૩૨ ટકાનો તોતિંગ વધારો થયો છે, જે વધીને ₹૧૦,૦૫૩ કરોડ પર પહોંચ્યો છે. જ્યારે કંપનીનો નફો વધી રહ્યો હોય ત્યારે FPO આવવાથી રોકાણકારોનો વિશ્વાસ વધવાની પૂરેપૂરી શક્યતા છે. સરકારનો ઉદ્દેશ્ય માત્ર ભંડોળ એકત્ર કરવાનો જ નહીં, પરંતુ LIC ને વધુ પારદર્શક અને જાહેર માલિકીની કંપની બનાવવાનો પણ છે. આગામી દિવસોમાં આ FPO ની પ્રાઇસ બેન્ડ અને ચોક્કસ તારીખો પર સમગ્ર બજારની નજર ટકેલી રહેશે.

(10:05 PM IST)