હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસદમાં પુસ્તકનો 'ધડાકો': જનરલ નરવણેના અપ્રકાશિત પુસ્તકે મચાવ્યો રાજકીય ભૂકંપ : રાહુલ ગાંધી આક્રમક
ચીની ઘૂસણખોરી અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે વિપક્ષી નેતાએ સરકારને ભીંસમાં લીધી : પીએમ મોદી અને સંરક્ષણ મંત્રી વિરુદ્ધની ટિપ્પણીઓ લોકસભાના રેકોર્ડમાંથી હટાવાઈ

નવી દિલ્હી: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચા દરમિયાન ત્યારે ભારે હોબાળો મચી ગયો જ્યારે રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના હજુ સુધી ન છપાયેલા (અપ્રકાશિત) પુસ્તકનો ઉલ્લેખ કર્યો. રાહુલે આક્ષેપ કર્યો હતો કે આ પુસ્તકમાં ચીની ઘૂસણખોરી અને સરકારી નિર્ણયો અંગે ચોંકાવનારી વાતો લખવામાં આવી છે. તેમણે સીધો પ્રહાર કરતા કહ્યું કે, વડાપ્રધાન વિપક્ષની રાષ્ટ્રીયતા પર સવાલ ઉઠાવે છે, પરંતુ તેમના જ પૂર્વ આર્મી ચીફે તેમના અને સંરક્ષણ મંત્રીના વલણ અંગે પુસ્તકમાં ગંભીર નોંધ લખી છે. રાહુલના આ આક્રમક તેવરને કારણે સત્તાધારી પક્ષના સભ્યોએ ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો, પરિણામે ગૃહની કાર્યવાહીમાં અવરોધ સર્જાયો હતો.
રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે કેટલાક એવા શબ્દો વાપર્યા હતા જે સંસદીય મર્યાદાની વિરુદ્ધ હોવાનું માનીને સ્પીકરે તેને રેકોર્ડમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો. ખાસ કરીને નરવણેના પુસ્તકના આધારે વડાપ્રધાન અને રાજનાથ સિંહના 'ચારિત્ર્ય' અંગે કરાયેલી ટિપ્પણીને લોકસભાના સત્તાવાર રેકોર્ડમાંથી કાયમી ધોરણે કાઢી નાખવામાં આવી છે. રાહુલે રાષ્ટ્રીય સુરક્ષાને સૌથી મહત્વનો મુદ્દો ગણાવી સરકારને સવાલ કર્યો કે ચીનના મુદ્દે મૌન કેમ છે? આ દલીલબાજીને કારણે ગૃહનું વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું અને કાર્યવાહી બીજા દિવસ સુધી મુલતવી રાખવી પડી હતી.
સામે પક્ષે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને આડે હાથ લેતા તાર્કિક સવાલ કર્યો હતો કે, "જે પુસ્તક હજુ સુધી બજારમાં આવ્યું જ નથી અને પ્રકાશિત થયું નથી, તેના વિશે ગૃહમાં ચર્ચા કેવી રીતે થઈ શકે?" તેમણે રાહુલ ગાંધીની દલીલોને પાયાવિહોણી ગણાવતા કહ્યું કે જે પુસ્તકનું લખાણ સત્તાવાર રીતે જાહેર નથી થયું તેના આધારે આરોપો લગાવવા એ અપરિપક્વતા છે. જોકે, સંરક્ષણ મંત્રીના જવાબ છતાં વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે જ્યારે આ પુસ્તક ખરેખર પ્રકાશિત થશે, ત્યારે તેમાં એવું તે શું હશે જેણે સંસદમાં અત્યારથી જ આટલો મોટો હોબાળો મચાવી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
