હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રોહિત શેટ્ટી પર હુમલાનો 'ક્રાઈમ માસ્ટરમાઇન્ડ' ઝડપાયો: લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે નીકળ્યું સીધું કનેક્શન!
૩૧ જાન્યુઆરીની મધ્યરાત્રીએ જુહુમાં થયેલા અંધાધૂંધ ગોળીબાર કેસમાં મુંબઈ પોલીસની મોટી સફળતા : પુણેથી પકડાયા ૪ શાર્પ શૂટર્સ: બાબા સિદ્દીકી હત્યાકાંડનો આરોપી શુભમ લોંકર નીકળ્યો મુખ્ય કાવતરાખોર

મુંબઈ: બોલિવૂડની એક્શન ફિલ્મોના બેતાજ બાદશાહ રોહિત શેટ્ટીના મુંબઈ સ્થિત નિવાસસ્થાન પર થયેલા ગોળીબારની ઘટનાએ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી હતી. ૩૧ જાન્યુઆરીના રોજ રાત્રે ૧૨:૪૫ વાગ્યાના સુમારે જુહુ સ્થિત તેમના ઘર પર થયેલા આ હુમલા બાદ મુંબઈ પોલીસનું એન્ટી-એક્સટોર્શન સેલ એક્શન મોડમાં આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું અને પુણેથી ચાર રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે જ પોલીસે એક મોટરસાઈકલ પણ જપ્ત કરી છે, જેનો ઉપયોગ ગુનાને અંજામ આપવા માટે કરવામાં આવ્યો હતો.
આ હુમલા પાછળનો મુખ્ય સૂત્રધાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય શુભમ લોંકર હોવાનું બહાર આવ્યું છે. અકોલાનો રહેવાસી શુભમ લોંકર એક સમયે ખેડૂત અને ગોવાળ તરીકે કામ કરતો હતો, પરંતુ હથિયારોના સપ્લાયની દુનિયામાં પગ મૂક્યા બાદ તે ગુનાખોરીના રસ્તે ચઢી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, શુભમનું નામ ઓક્ટોબર ૨૦૨૪માં થયેલી બાબા સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગમાં પણ સંડોવાયેલું છે. જેસલમેરમાં બિશ્નોઈ ગેંગના સંપર્કમાં આવ્યા બાદ શુભમ પૂણે શિફ્ટ થયો હતો અને ત્યાંથી આ આખા નેટવર્કનું સંચાલન કરતો હતો.
મુંબઈ પોલીસે જે ચાર આરોપીઓની ધરપકડ કરી છે તેમાં આદિત્ય ગાયકી, સિદ્ધાર્થ યેનપુરે, સમર્થ પોમાજી અને સ્વપ્નિલ સકટનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલાનો મુખ્ય હેતુ બોલિવૂડમાં ભયનો માહોલ ઉભો કરી ખંડણી ઉઘરાવવાનો હોઈ શકે છે. પકડાયેલા તમામ આરોપીઓ શુભમ લોંકરના સીધા સંપર્કમાં હતા અને તેને બિશ્નોઈ ગેંગ તરફથી સૂચનાઓ મળતી હતી. હાલમાં હજુ એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. રોહિત શેટ્ટી જેવા દિગ્ગજ પર થયેલા આ હુમલાએ ફરી એકવાર બોલિવૂડ અને અન્ડરવર્લ્ડના જોખમી કનેક્શનને સપાટી પર લાવી દીધું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
