News of Tuesday, 3rd February 2026
૫૦% નહીં ભારત પર ફક્ત ૧૮% ટેરિફ લાદવામાં આવશે...
ટ્રમ્પની જાહેરાત પછી વ્હાઇટ હાઉસે શું કહ્યું? : વ્હાઇટ હાઉસે વધારાના ૨૫% ટેરિફ દૂર કરવાની પુષ્ટિ કરી.ભારત રશિયન તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરશે

નવી દિલ્હી,તા.૦૩: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોમવારે રાત્રે આ જાહેરાત કરી. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત પરનો ૨૫% ટેરિફ ઘટાડીને ૧૮% કરવામાં આવશે. જોકે, તે સમયે તે પુષ્ટિ થઈ ન હતી કે ભારત પર વધારાના ૨૫% ટેરિફ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે કે નહીં.
હવે, વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી છે કે અમેરિકા આ વધારાના ટેરિફને પણ દૂર કરશે. સમાચાર એજન્સી ANI અનુસાર, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતે રશિયન તેલની ખરીદી ઘટાડી હોવાથી અમેરિકા ભારતીય આયાત પરનો વધારાનો ૨૫% ટેરિફ પણ દૂર કરશે.
અધિકારીએ એમ પણ કહ્યું હતું કે કરાર હેઠળ, ભારત ફક્ત રશિયન તેલની ખરીદી ઘટાડશે નહીં, પરંતુ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ટ્રમ્પે ટ્રુથસોશિયલ પર ટેરિફ ઘટાડા અને ભારત સાથેના કથિત વેપાર કરાર વિશે માહિતી શેર કરી હતી.
ટ્રમ્પે લખ્યું, આજે સવારે ભારતના વડા પ્રધાન મોદી સાથે વાત કરવી સન્માનની વાત હતી. તેઓ મારા શ્રેષ્ઠ મિત્રોમાંના એક છે અને તેમના દેશના એક શક્તિશાળી અને આદરણીય નેતા છે. અમે વેપાર અને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. તેઓ રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને યુનાઇટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલા પાસેથી નોંધપાત્ર રીતે વધુ ખરીદવા સંમત થયા.
ટ્રમ્પની જાહેરાત પછી, પીએમ મોદીએ ટેરિફ ઘટાડા વિશે પણ પોસ્ટ કરી. પીએમએ લખ્યું, આજે મારા પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. ખુશી છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પરના ટેરિફમાં હવે ૧૮% ઘટાડો થશે. ભારતના ૧.૪ અબજ લોકો વતી, આ અદ્વુત જાહેરાત માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ખૂબ ખૂબ આભાર.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
