<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ટ્રમ્પના શાંતિના દાવાઓ વચ્ચે રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો: એનર્જી સીઝફાયરનો અંત: કિવમાં મિસાઈલ અને ડ્રોનનો વરસાદ

રશિયા કોઈ પણ ભોગે યુક્રેનના સપ્લાય અને ઉર્જા તંત્રને તોડવા માંગે છે જેથી શિયાળાની ઋતુમાં યુક્રેન ઘૂંટણિયે પડી જાય: મોટાપાયે જાનહાનિ ? યુક્રેનનો મોટો હિસ્સો અંધકારમાં ગરકાવ : ટ્રમ્પે ઓવલ ઓફિસમાં રશિયા-યુક્રેન વિવાદમાં ‘સારા સમાચાર’ની આશા વ્યક્ત કરી હતી, જેની ગણતરીની મિનિટોમાં જ રશિયાએ યુક્રેનના ઉર્જા માળખા અને રહેણાંક ઈમારતોને નિશાન બનાવી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું*

 

 

નવી દિલ્હી/વોશિંગ્ટન/કિવ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વડપણ હેઠળ રશિયા અને યુક્રેન વચ્ચે થયેલું ‘એનર્જી સીઝફાયર’ (ઉર્જા ક્ષેત્રે યુદ્ધવિરામ) આજે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં બેસીને રશિયા-યુક્રેન વચ્ચે ટૂંક સમયમાં ‘સારા સમાચાર’ આવવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા, બીજી તરફ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિતના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન દ્વારા ભીષણ હુમલા શરૂ કરી દીધા છે.

 

ટ્રમ્પનું નિવેદન અને શાંતિના દાવા: આજે વહેલી સવારે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “ઘણી બધી વસ્તુઓ એકસાથે બની રહી છે. ઈરાન, રશિયા, યુક્રેન અને મધ્ય પૂર્વમાં સ્થિતિ નાજુક છે. હું સત્તામાં આવ્યો તે પહેલાથી જ આ સમસ્યાઓ ચાલતી હતી. અમે અત્યાર સુધીમાં ૮ જેટલા યુદ્ધોમાં સમાધાન કરાવ્યું છે અને મને લાગે છે કે યુક્રેન-રશિયાના મામલે પણ અમે ઘણું સારું કરી રહ્યા છીએ. હું પ્રથમ વખત કહી રહ્યો છું કે કદાચ આપણને ટૂંક સમયમાં જ કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.”

 

ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિ: સીઝફાયરનો ફિયાસ્કો: જોકે, ટ્રમ્પના આ આશાવાદી નિવેદનથી વિપરીત યુક્રેનમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. સોમવારની રાતથી જ રશિયાએ કલાકો સુધી યુક્રેનના વિવિધ શહેરો પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ખાસ કરીને કિવમાં પાવર પ્લાન્ટ્સ, સબસ્ટેશનો અને અન્ય મહત્વપૂર્ણ ઉર્જા માળખાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓને કારણે યુક્રેનનો મોટો હિસ્સો અંધકારમાં ગરકાવ થઈ ગયો છે.

 

રહેણાંક વિસ્તારોમાં ભારે તબાહી: વિવિધ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ માત્ર સૈન્ય મથકો કે ઉર્જા મથકો જ નહીં, પરંતુ કિવની અનેક બહુમાળી રહેણાંક ઈમારતો પર પણ ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલથી હુમલા કર્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલાઓ એટલા પ્રચંડ હતા કે આખી રાત આકાશમાં વિસ્ફોટોના અવાજો સંભળાતા રહ્યા હતા. આ હુમલામાં અનેક સામાન્ય નાગરિકો જાનહાનિના ભોગ બન્યા હોવાની પણ ભીતિ છે.

 

સમગ્ર યુક્રેનમાં એલર્ટ: યુક્રેનિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયા દ્વારા સતત ડ્રોન અને મિસાઈલ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય છે, પરંતુ હુમલાની તીવ્રતા એટલી વધારે છે કે અનેક મિસાઈલો પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહી છે. ટ્રમ્પ દ્વારા મધ્યસ્થી કરીને જે ઊર્જા વિરામની સમજૂતી કરાવવામાં આવી હતી, તેનો રશિયાએ સદંતર ઉલાળિયો કર્યો છે.

 

આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનો મત: રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે ‘સારા સમાચાર’ની વાત કરી રહ્યા હતા, રશિયાએ આ હુમલા દ્વારા તેનો જવાબ આપ્યો હોય તેમ જણાય છે. રશિયા કોઈ પણ ભોગે યુક્રેનના સપ્લાય અને ઉર્જા તંત્રને તોડવા માંગે છે જેથી શિયાળાની ઋતુમાં યુક્રેન ઘૂંટણિયે પડી જાય. હવે જોવાનું એ રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર રશિયાના આ ઉશ્કેરણીજનક પગલાં પર કેવો પ્રતિસાદ આપે છે.

(9:58 AM IST)