News of Tuesday, 3rd February 2026
વિદેશથી હવે વધુ સામાન અને ઘરેણા લાવી શકશે ભારતીયોઃ સરકારે ડયુટી ફ્રીની લિમિટ વધારી
ડયૂટી ફ્રી સામાન લાવવાની સીમા ૫૦,૦૦૦ થી વધારી ૭૫૦૦૦ કરાઇઃ ગઇ કાલથી લાગુ

નવી દિલ્હી તા.૩: ભારતમાં આવતા પ્રવાસીઓ માટે સરકારે બેગેજ નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આ બેગેજ નિયમો ૨૦૨૬ જે આજે ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ થી અમલમાં અપાયો છે. જેમાં હવાઈ અથવા સમુદ્ર માર્ગે ભારતમાં આવતા મુસાફરોને ઉચ્ચ-મૂલ્યની વ્યક્તિગત વસ્તુઓ ડ્યુટી-ફ્રી લાવવાની મંજૂરી આપે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ ૧ ફેબ્રુઆરીના રોજ જાહેર કરેલી એક સૂચનામાં આ ફેરફારોની જાહેરાત કરી છે.
જેમાં ભારતીય રહેવાસીઓ, ભારતીય મૂળના પ્રવાસીઓ અથવા માન્ય વિઝા ધરાવતા વિદેશી નાગરિકો (ટૂરિસ્ટ વિઝા સિવાય) હવે રૂપિયા ૭૫,૦૦૦ સુધીની કિમતની વસ્તુઓ ડ્યુટી-ફ્રી આયાત કરી શકે છે. આ મર્યાદા પહેલા રૂપિયા ૫૦,૦૦૦ હતી. વિદેશી પ્રવાસીઓ (ટૂરિસ્ટ વિઝા પર આવતા લોકો) માટે ડ્યુટી-ફ્રી મર્યાદા વધારીને રૂપિયા ૨૫,૦૦૦ કરવામાં આવી છે. જે પહેલા રૂપિયા ૧૫,૦૦૦ હતી.
ભારતીય રહેવાસીઓ અથવા ભારતીય મૂળના વ્યક્તિઓ કે જેઓ એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં છે તેઓ પરત ફરતી વખતે મર્યાદિત માત્રામાં સોનાના દાગીના (અથવા અન્ય કિમતી ધાતુઓથી બનેલા દાગીના) ડ્યુટી ચૂકવ્યા વિના ભારત લાવી શકે છે, જો કે તે વ્યક્તિગત ઉપયોગ માટે હોય અને વેચાણ માટે ન હોય તો મહિલા મુસાફરો મહત્તમ ૪૦ ગ્રામ સુધી અને પુરુષ મુસાફરો મહત્તમ ૨૦ ગ્રામ સુધી લાવી શકશે.
૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ મુસાફર (ક્રૂ સભ્યો સિવાય) તેમના સામાનમાં ડ્યુટી ફ્રી નવું લેપટોપ અથવા નોટપેડ લાવી શકે છે. આ સુવિધા પ્રવાસીઓ માટે, ખાસ કરીને જેઓ વિદેશથી ઇલેક્ટ્રોનિક્સ લાવે છે તેમના માટે નોંધપાત્ર રાહત છે.
ઉલ્લેખનીય છે કે, ડ્યુટી-ફ્રી સામાનની મર્યાદા મુસાફરો વચ્ચે વહેંચી અથવા ભેગી કરી શકાતી નથી. દરેક મુસાફરનો પોતાની અલગ રાહત મળશે.આ સામાનમાંથી અમુક વસ્તુઓ (જેમ કે વધારાની સિગારેટ/તમાકુ/દારૂ, સોના અને ચાંદીના બાર, ટેલિવિઝન, વગેરે) બાકાત રાખવામાં આવશે.જયારે 'હેઠળ ચલણ પરિવહન નિયમો સમાન રહેશે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
