<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

વ્‍યક્‍તિગત ફરિયાદના આધારે ચૂંટણી પ્રક્રિયા રોકી શકાય નહીં

ચૂંટણીઓ સરળ અને અવિરત રીતે ચાલે તેવા વ્‍યાપક જાહેર હિતનું ધ્‍યાન રાખવું જોઈએઃ સુપ્રિમકોર્ટ

નવી દિલ્‍હી તા.૩: વ્‍યક્‍તિગત ફરિયાદના આધારે ચૂંટણી પ્રક્રિયામાં હળવાશથી દખલ કરી શકાય નહીં અથવા તેને અટકાવી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે સ્‍પષ્ટ કર્યું છે. જાસ્‍ટિસ વિક્રમ નાથ અને જાસ્‍ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે કહ્યું કે વ્‍યક્‍તિગત ફરિયાદોના કિસ્‍સામાં, અંતિમ અને વિશિષ્ટ ઉપાય માત્ર ‘ચૂંટણી પિટિશન' દ્વારા જ મળી શકે છે.

ખંડપીઠે ઉત્તરાખંડ હાઈકોર્ટના જુલાઈ ૨૦૨૫ના વચગાળાના આદેશને પડકારતી અપીલ પર પોતાનો ચુકાદો આપ્‍યો હતો. હાઈકોર્ટે રિટર્નિગ ઓફિસરને એક વ્‍યક્‍તિને ચૂંટણી પ્રતીક ફાળવવા અને જિલ્‍લા પંચાયત સભ્‍યની ચૂંટણીમાં ભાગ લેવા દેવા નિર્દેશ આપ્‍યો હતો. સર્વોચ્‍ચ અદાલતે કહ્યું કે ચૂંટણી લડવાનો કે તેને પડકારવાનો અધિકાર વૈધાનિક પ્રકૃતિનો હોવાથી, તેનું ચુસ્‍તપણે પાલન થવું જોઈએ અને સંબંધિત કાયદા મુજબ જ તેનો ઉપયોગ થવો જોઈએ. ખંડપીઠે હાઈકોર્ટના વચગાળાના આદેશને રદ કરતા કહ્યું કે, ‘‘હાઈકોર્ટે વ્‍યક્‍તિઓની તરફેણમાં ઉદાર વચગાળાની રાહતો આપવાનું ટાળવું જોઈએ અને તેના બદલે રાજ્‍યભરમાં ચૂંટણીઓ સરળ અને અવિરત રીતે ચાલે તેવા વ્‍યાપક જાહેર હિતનું ધ્‍યાન રાખવું જોઈએ.''

ઉત્તરાખંડ રાજ્‍ય ચૂંટણી પંચે ૧૨ જિલ્‍લાઓમાં પંચાયત ચૂંટણીઓ શરૂ કરવા માટે સુધારેલી સૂચના બહાર પાડી હતી. પિથોરાગઢ જિલ્‍લાની એક બેઠક પરથી જિલ્‍લા પંચાયત સભ્‍ય તરીકે એક વ્‍યક્‍તિએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, જરૂરી વિગતો જાહેર ન કરવાના આક્ષેપ સાથે વાંધો ઉઠાવવામાં આવતા તેની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. આ વ્‍યક્‍તિએ હાઈકોર્ટના સિગલ જજ પાસે દાદ માંગી હતી, પરંતુ તેમણે અરજી ફગાવી દીધી હતી. ત્‍યારબાદ ડિવિઝન બેન્‍ચે સિગલ જજના આદેશ પર સ્‍ટે આપ્‍યો હતો અને ઉમેદવારને ચૂંટણી લડવા દેવા નિર્દેશ આપ્‍યો હતો. આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્‍યો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્‍યું કે બંધારણની કલમ 243-O હેઠળ સ્‍પષ્ટ પ્રતિબંધ છે કે પંચાયતની કોઈપણ ચૂંટણીને માત્ર ચૂંટણી પિટિશન દ્વારા જ પડકારી શકાય છે. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટની ડિવિઝન બેન્‍ચે કાયદાની પ્રસ્‍થાપિત સ્‍થિતિની અવગણના કરીને પોતાની અધિકારક્ષેત્રની મર્યાદા ઓળંગી છે.

(10:20 AM IST)