News of Tuesday, 3rd February 2026
જ્ઞાતિની ગણતરીમાં માત્ર સેલ્ફ-ડેક્લેરેશન પર જ આધાર ન રાખવો જોઇએઃ સુપ્રીમકોર્ટ
ચકાસણીની પદ્ધતિને પ્રસ્તુત મુદો ગણાવી સુપ્રીમે તે અંગે વિચારવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હી તા.૩: ૨૦૨૭માં થઇ જઇ રહેવી વસતી ગણતરીમાં જ્ઞાતિની ગણતરી માત્ર સેલ્ફ ડેક્લેરેશન (સ્વ-ઘોષણા)ને બદલે ચકાસી શકાય તેવી પદ્ધતિ પર આધારિત હોવી જોઈએ તેવી એક અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે તેને પ્રસ્તુત મુદ્દો ગણાવ્યો હતો અને તે સૂચન પર વિચાર કરવા કેન્દ્ર સરકાર અને સેન્સસ ઓપરેશન્સ ડિરેક્ટોરેટને નિર્દેશ આપ્યો છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જાસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે સ્વીકાર્યું કે અરજદારે એક ‘‘પ્રસ્તુત મુદ્દો'' ઉઠાવ્યો છે. પરંતુ આ બાબતે ન્યાયિક હસ્તક્ષેપ કરવાને બદલે અવલોકન કર્યું કે વસ્તી ગણતરી અધિનિયમ ૧૯૫૮ હેઠળ સત્તાધિકારીઓએ આ જોવાનું રહેશે.
આ જનહિત અરજી આકાશ ગોયલ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં વસ્તી ગણતરી ૨૦૨૭માં સૂચિત જ્ઞાતિ ગણતરી, ખાસ કરીને ચકાસણી પદ્ધતિ વિના માત્ર સ્વ-ઘોષણા પર નિર્ભર રહેવા અંગે ચિતા વ્યક્ત કરવામાં આવી હતી. અરજદારના વકીલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ જ્ઞાતિ ગણતરીના વિરોધી નથી, પરંતુ આ કવાયત માત્ર સ્વ-ઘોષણા પર આધારિત ન હોવી જોઈએ. વકીલે દલીલ કરી હતી કે જ્ઞાતિનો ડેટા લાંબા ગાળાનો હોય છે અને ચકાસણી વિના તે મેળવવો જોખમી બની શકે છે.
વકીલે વધુમાં જણાવ્યું હતું કે આ જ્ઞાતિ ગણતરીમાં ?ડ્ડ૧૩,૫૦૦ કરોડથી વધુનો ખર્ચ થશે અને તેની કલ્યાણકારી યોજનાઓ પર સીધી અસર પડશે. જો પદ્ધતિમાં પારદર્શિતા નહીં હોય, તો આવા ડેટા પર આધારિત નીતિ વિષયક નિર્ણયો પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
કોર્ટે નોંધ્યું કે આ વખતે ગણતરીમાં પ્રથમ વખત અન્ય પછાત વર્ગો (OBC)નો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ખંડપીઠે તેના આદેશમાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી અધિનિયમ ૧૯૫૮ સત્તાધિકારીઓને વસ્તી ગણતરી કરવાની રીત નક્કી કરવાની સત્તા આપે છે. કોર્ટે એવી અપેક્ષા વ્યક્ત કરી કે સત્તાવાળાઓએ નિષ્ણાતોની મદદથી કોઈ પણ ભૂલને નકારી કાઢવા માટે મજબૂત પદ્ધતિ વિકસાવી જ હશે, તેમ છતાં અરજદારે ઉઠાવેલા મુદ્દાઓ ધ્યાનમાં લેવા યોગ્ય છે. કોર્ટે આ સૂચનો પર વિચાર કરવાના નિર્દેશ સાથે રિટ પિટિશનનો નિકાલ કર્યો હતો અને અરજદારને તેમની અરજીની નકલ સત્તાવાળાઓને રજૂઆત તરીકે મોકલવાની છૂટ આપી હતી.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
