News of Tuesday, 3rd February 2026
બિહારનું 'મેગા બજેટ': ₹3.47 લાખ કરોડ સાથે નીતિશ સરકારનો માસ્ટરસ્ટ્રોક, એક્સપ્રેસવેની લાગશે લાઈન
"સમૃદ્ધ બિહાર" થીમ પર નાણામંત્રીએ રજૂ કર્યું બજેટ: 5 નવા એક્સપ્રેસવે અને સસ્તા આવાસની ભેટથી રાજ્યની કાયાપલટ થશે

પટના, તા.3: બિહારના વિકાસને નવી પાંખો આપવા માટે નીતિશ કુમાર સરકારે આજે વિધાનસભામાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવે ₹3,47,000 કરોડનું બજેટ રજૂ કરતા બિહારને આધુનિક અને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો રોડમેપ રજૂ કર્યો હતો. "સમૃદ્ધ બિહાર, સમૃદ્ધ બિહાર"ના સૂત્ર સાથે આ બજેટમાં સામાન્ય માણસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
કનેક્ટિવિટીમાં ક્રાંતિ:
બજેટની સૌથી મોટી જાહેરાત રાજ્યમાં 5 નવા એક્સપ્રેસવેની છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી બિહારના એક છેડેથી બીજા છેડા સુધી પહોંચવું અત્યંત સરળ બનશે અને ઉદ્યોગોને નવું બળ મળશે. આ ઉપરાંત, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સસ્તા આવાસ (Affordable Housing) પૂરા પાડવાની પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.
લાલ થેલીમાં વિકાસનું ભાથું:
બપોરે 2 વાગ્યે જ્યારે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ, ત્યારે નાણામંત્રી પરંપરાગત લાલ થેલી લઈને વિધાનસભામાં પ્રવેશ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, બિહારે છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસનો જે વેગ પકડ્યો છે, આ બજેટ તેને બમણો કરશે. શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્ર માટે પણ બજેટમાં મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે.
બજેટની મુખ્ય વિશેષતાઓ:
- વિકાસલક્ષી અભિગમ: ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા લાખો નવી રોજગારીની તકો ઊભી કરવાનો લક્ષ્યાંક.
- રોડ નેટવર્ક: 5 નવા એક્સપ્રેસવે બિહારની તસવીર બદલી નાખશે.
- સામાજિક સુરક્ષા: ગરીબ પરિવારો માટે ઘરના ઘરનું સપનું સાકાર થશે.
આ બજેટને નિષ્ણાતો આગામી ચૂંટણીઓ પહેલા સરકારનો સૌથી મોટો આર્થિક દાવ ગણાવી રહ્યા છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
